santwan - Free-verse | RekhtaGujarati

સાંત્વન

santwan

વિપિન પરીખ વિપિન પરીખ

ફાઉન્ટનના રસ્તા પર એક બળદ

બસના અકસ્માતમાં ખલાસ થઈ ગયો.

ભાઈ બળદ,

સવારના દસનો ટાઇમ,–

જરા ધ્યાન દઈને ચાલીએ ને?

તો મુંબઈ....

જરા પણ ગફલત થઈ તો ખલાસ!

તારું નામ શું?

જવા દે,

નામ ગમે તે હોય. અહીં શું ફરક પડવાનો હતો?

(અને તે પણ હવે?)

ભાઈ, આમ ઑફિસ પહોંચવાના રઘવાયા સમયે

આપણું મૃત્યુ શબ બનીને લોકોને અવરોધ કરે

તો ઠીક નહીં.

હું જાણું છું

આટલા બધા માણસોની વચ્ચે ચાલુ દિવસે મરવું

તને પણ ગમ્યું નહીં હોય.

તોપણ હું અથવા તું

કરી પણ શું શકીએ?

પૂરપાટ દોડી જતી મોટરો અને બસો

અને આટલા બધા લોકોની વચ્ચે

ચાલવાનું અને જીવવાનું જ્યારે પસંદ કર્યુ હતું

ત્યારે મૃત્યુની પણ આપણે પસંદગી કરી લીધી હતી ને?

તો પછી ભાઈ, એનો અફસોસ શો

કે મરતી વખતે કોઈએ હોઠ ઉપર ગંગાજળ મૂક્યું કે મૂક્યું!

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ
  • વર્ષ : 1980