tarathi chhutta paDawun etle ! - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારાથી છુટ્ટા પડવું એટલે....!

tarathi chhutta paDawun etle !

હરદ્વાર ગોસ્વામી હરદ્વાર ગોસ્વામી
તારાથી છુટ્ટા પડવું એટલે....!
હરદ્વાર ગોસ્વામી

તારાથી છુટ્ટા પડવું એટલે...

પર્વતથી નદીનું છૂટવું

કાચના વાસણનું હાથથી વછૂટવું

કોઈ બંધાણીનું અફીણ વગર

ફીણફીણ થઈ તૂટવું,

અણી પર આવેલી કવિતાના સમયે

શાહીનું ખૂટવું.

તારાથી છુટ્ટા પડવું એટલે...

તારાનું છુટ્ટા પડવું આકાશેથી

તન અને વતન વચ્ચેની ખાલી જગ્યા

મોર ને કલશોર વચ્ચેની ખાલી જગ્યા

નાસ્તિક અને સ્વસ્તિક વચ્ચેની ખાલી જગ્યા,

ચરસ અને ચરમ વચ્ચેની ખાલી જગ્યા.

ખાલી જગ્યાની ખાલી જગ્યા.

તારાથી છુટ્ટા પડવું એટલે...

માહ્યલાના મેળામાં સંવેદનથી છુટ્ટા પડવું

સમય સામે જૂઠ્ઠા પડવું

સિવડાવેલ વસ્ત્રોમાં મોટા પડવું

જમીન પર સૂતા હોઈએ છતાં પડવું.

તારાથી છુટ્ટા પડવું એટલે...

પોતાની જાતથી છુટ્ટા પડવું

આંખોની અંદર આંસુ થઈ દડ્યા કરવું

દીવાલ થઈ ગયેલી દિશા સામે લડ્યા કરવું

ખાલીપાના રોગથી સડ્યા કરવું

આક્રોશને આવડ્યા કરવું

તારાથી છુટ્ટા પડવું એટલે...

રૂબરૂ આવ ને,

વિગતવાર કહીશ ....

સ્રોત

  • પુસ્તક : કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 59)
  • પ્રકાશક : કુમાર ટ્રસ્ટ
  • વર્ષ : 2013