bapujinun paheran - Free-verse | RekhtaGujarati

બાપુજીનું પહેરણ

bapujinun paheran

રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર પટેલ
બાપુજીનું પહેરણ
રાજેન્દ્ર પટેલ

ધુળેટીએ

રંગઈ જવાના ડરે

બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું.

અને એમના શબ્દો યાદ આવ્યા :

દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય.

પણ ચોખ્ખું રાખજે.

દિવસભર રંગાઈ ગયા પછીયે

પહેરણ ખરે ચોખ્ખું,

કપાસના ફૂલ જેવું હળવું લાગતું હતું.

સાંજ પડ્યે સમજાયું

પહેરણ તો

ના પહેરીનેય પહેરાય એવું,

અને એકવાર પહેર્યા પછી

ક્યારેય ના ઊતરે એવું હતું.

સવારે રોજની જેમ

ઈસ્ત્રીબંધ નવું ખમીસ પહેર્યું

તોય લાગતું રહ્યું

પેલું પહેરણ તો જાણે

હાડમાં હાજરાહજૂર છે!

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021