સમુદ્ર વર્ણન : બંદર
Samudra Varna : Bandar
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(વસંતતિલકા વૃત્ત)
લોકો સમસ્ત શુભ સાગર આ વિલોકો,
જોવા રૂપાળિ રચના ચિત્તવૃત્તિ રોકો;
આ છે પ્રભુનું પરિપૂરિત પાણિપાત્ર,
જેમાં જણાય જળ ને જળજંતુ માત્ર.
સિંધુતણા સરસ શોભિત ઘાટ બાંધ્યા,
છેડા જમીન નિધિના ધરી જેમ સાંધ્યા;
ત્યાં થંભ દેખી કવિએ ચિત વાત ધારી,
સાંધો દૃઢાવ કરવા દૃઢ મેખ મારી.
તૂટ્યાં ફુટ્યાં તટ વિષે જળમાં સડે છે,
બીજે સ્થળે વિવિધ નાવ નવાં ઘડે છે;
તે જેમ પંથ અસલી બગડ્યા જણાય,
બીજા નવીન ઉપજે બહુ સંપ્રદાય.
હિંદુ તથા યવન લોક ઘણા મળ્યા છે,
તે આમ તેમ વિચરે હરખે ભર્યા છે;
જાણે સમુદ્ર મથતાં અમિ નીકળ્યું છે,
દેવાસુરોનું જુથ પાન પીવા મળ્યું છે.
જેણે દિઠા ન નિધિ મધ્ય મહા તરંગ;
કંપે તરંગ તટના અવલોકિ અંગ;
જાવું સમુદ્ર તરીને તટમાંજ ત્રાસે,
તે કેમ નાવ ચઢિને નિધિ પાર જાશે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
