
મને થોડા મહિના સુધી સંતાઈ રહેવા દે તારા શરીરમાં.
કોઈ પૂછે તો તું સુમધુર સ્મિત કરજે.
પહેલાં પહેલાં તો કોઈને ખબરે નહિ પડે
કે નદીમાં પૂર આવવાનું છે હવામાં વાવાઝોડું આવવાનું છે તારું બ્લડપ્રેશર એટલું નીચું જવાનું છે કે ડૉક્ટરો દોડાદોડી કરી મૂકવાના છે.
ને પછી તું લઈ આવવાની છે આઘેથી
ખેતરોનાં ખેતરોને ધનધાન્યથી ભરપૂર કરી મૂકતો ફળદ્રુપ કાંપ.
અત્યારે તો ઉપરવાસમાં કેટલો વરસાદ પડે છે એની હજી કોઈને જાણ નથી.
તારી મોગરા જેવી મુસ્કુરાહટનાં મૂળ ક્યાંનાં ક્યાં પહોંચે છે પથરાળ
મેદાન જેવા મારા સ્નાયુઓની નીચે,
એ તો કોઈ ક્યારેયે જાણી શકવાનું નથી.
પણ જોજે, બૅરોમીટરનો પારો પાછો ઉપર ચઢે, એવા હવાના હિલોળા ઉપજાવજે આકાશમાં સમયસર
કેમ કે આ તો તારી ને મારી જિંદગીનો સવાલ છે,
ન કે આધુનિક મેડિકલ સાયન્સના વિકાસનો.
હમણાં તો
પાણીના પેટાળમાં લીલછાયેલા ખડકો વચ્ચે કરચલા બેઠા રહે, કે વિષ્ણુ,
એ રીતે મને સહેજ થાક ખાવા દે તારી અંદરના શયનાગારમાં.
તને ખરેખર બહુ થાક લાગ્યો છે મારાં અનેક પ્રાગટ્યોનો.
કરચલા સી એનેમોન, જળઘોડા, ઇલેક્ટ્રિક ફિશ, મઘરાં, મોતી અને તૂટી પડેલું હવાઈજહાજ
– મારા પ્રત્યેક રૂપને તું જાણે છે અને જીરવી શકે છે, એ સારું છે.
નહિ તો હું ક્યાં જાત?
મને આકાશે અને જમીન કાઢી મૂક્યો છે. એમને મારી રીત માફક નથી આવતી.
તારી આંખો પાણીદાર છે.
તું મારી સાગરીત છે.
તારા પેટાળમાં મસલતો કરી આપણે ગુનાઓ કરીએ છીએ.
પકડાઈએ તો સજા થાય. ન પકડાઈએ તો સજા કરનારાને લાભ થાય.
ગુનો એટલે શું એ ક્યાં જાણે છે ન્યાયમૂર્તિ અને ફાંસીગર?
આપણને સજા ફટકારી પોતે શું ગુમાવે છે એની સર્વોચ્ચ અદાલતને પૂરી જાણ નથી.
વળી, પગ નીચેથી પાટિયું સરકાવી લેનારને ખબર નથી કે તું મને પાંખો આપી શકે છે.
એટલે બહેતર છે કે તું સુમધુર સ્મિત કર
અને થોડાક મહિના મને સંતાઈ રહેવા દે
તારા આવકારભર્યા અને અનુલ્લંઘનીય શરીરમાં...
(૭-૨-૧૯૯૬)



સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 46)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009