Samasya - Free-verse | RekhtaGujarati

મેં તને ચાહી, અને તેં મને ચાહ્યો.

તો ઠીક છે. પણ ઉશ્કેરાટભર્યા રંગીન શબ્દોમાં

શા માટે એની વાતો કરવી? પ્રેમ.

કોણ જાણે છે કેમ, ક્યારે અને શી રીતે ફૂટી નીકળ્યો!

વાત માંડી કહું તો તું મારાથી દૂર હતી.

ઠેકાણાં વિનાનાં નકામાં કાવ્યો હું વાંચતો. વિસ્મય અને પાગલપનથી

પ્રતિરૂપ શોધવા માટે હું વને વને ભટક્યો

જેથી તારી મોહિની વર્ણવી શકું. અને તને તો છેક ભૂલી પણ ગયો!

તું પાસે ને પાસે આવી. મને ખ્યાલ હતો

કે તું નહોતી મારાં કાવ્યોની પ્રેરણા કે નો’તી

મારાં ગીતોને શણગારનારી બજારુ છોકરી.

તું તારો ન્હોતી, ફૂલ ન્હોતી કે ફળ ન્હોતી.

આપણે એકમેક અલગ નથી. હું હું છું ને તું તું છે

બે દીવા જેવા : એનાં ફેલાતાં કિરણો

પરસ્પર વિભાજે અને ચૂમે એકમેકને.

હું મૂઝાઉં છું : આખરે શું પ્રેમ છે!

(અનુ. ઈન્દ્રજિત મોગલ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ