niradharta - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિરાધારતા

niradharta

આનંદ મૈત્રેય આનંદ મૈત્રેય
નિરાધારતા
આનંદ મૈત્રેય

મારી ખખડી ગયેલી ખોલીની

ભીંતે લટકે છે

મારા ભીરુ બાપે બાંધેલી,

24 અવતારોની છબિ.

એની પાછળ છૂપાયાં છે.

મચ્છરોનાં ધાડાં.

આખી રાત મારો ચલાવે છે.

ચટકા ભરીને લોહી ચૂસે છે.

24 અવતારો તાકી રહે છે,

વિસ્પૃહ થઈને.

24 અવતારો એટલે 20 + 4

અથવા 4 અને 20

બધાં મુડદાં.

એમણે મારી ગરીબીને ગૌરવાંકિત કરી પોષી છે.

ફૂટપાથની દુર્ગંધભરી વાસ લઈને

–રેડિયાનો ઘોંઘાટિયો અવાજ

–સાથે શરણાઈના સૂર

મારા કાનમાં ભોંકાય છે,

“આપણી મંજિલ સમાજવાદ”

અછૂત છું છતાંય મચ્છરો કરડે છે.

અંધારું ચામડું ઉતરડે છે.

તાકી રહેલા 24 વિચિત્ર અવતારો સામે

નિતાંત નિરાધાર છું.

હું વિદ્રોહ નહીં કરી શકું

કારણ કે પુનર્જન્મનો ભય

મને સતાવી રહ્યો છે.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન વતી
  • વર્ષ : 1981