hakikto - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણે હકીકતોને ખોલીને બેસીએ તો

આંખોને શરમનો પડદો

વાચાને અર્ધસત્યોના લપેડા

ને કલમને સત્યનો ડંખ

-આટલું કદાચ મળી આવે

મેળવીને શું?

શું કરીએ આપણે એનું?

સમયને હોય તો માણસનો ચહેરો હોય.

ફૂલ-વૃક્ષ-નદી-પર્વત-ખીણ-આકાશનો નહીં.

ને એથી ઊલટું

માણસનો ચહેરો ઘવાય તો ઘવાય સમય

ફૂલ-વૃક્ષ-નદી-પર્વત-ખીણ-આકાશ પણ ઘવાય

આપણે આને હકીકત ગણીએ તો

ક્યા પ્રકારનું સત્ય હોઈ શકે?

શ્વાસો ઉપર અણુબોમ્બનું સરનામું લઈ

ચન્દ્ર ભણી ચાલતો માણસ

શું થશે એનું?

હકીકતો આમ કશું બોલતી નથી

વ્યક્ત થાય છે સાચા કવિ જેમ વ્યંજનામાં

સ્થૂળ નથી, સ્થૂળતા તો એનું આવરણ

એનો વર્તમાન હોતો નથી કેવળ સ્થગિત

પડછાયે પડછાયે વસે છે

ખસે છે

ને સ્પર્શે છે

ભવિષ્યની પ્રત્યેક ક્ષણને

ક્ષણ તે માણસ

આવતીકાલનો માણસ

પરિવર્તન માગતો માણસ!

આપણે જો હકીકતોને ખોલીને જે બેસીએ તો...

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : બારીન મહેતા