ek premakrar - Free-verse | RekhtaGujarati

એક પ્રેમકરાર

ek premakrar

જયેશ સોલંકી જયેશ સોલંકી
એક પ્રેમકરાર
જયેશ સોલંકી

પ્રિયે,

તું મારાં

બુસકોટને બટન

પાટલૂનને થીગડું

નહીં ચોંડી દે

તો ચાલશે.

દર રવિવારે

મારા ગંદા

કારખાનાનાં કપડાં

નહીં ધૂવે

તો પણ મને ચાલશે.

પટેલિયાના

મરેલા પાડિયાનું શાક

રાંધી નહીં આપે

તો પણ ચાલશે.

ઘૂઘરા, કોંકણી

બાફેલાં ઈંડાંના

ચખણામાં

તું મીઠાને બદલે

બૂરુ ભભરાવી દઈશ

તો પણ હું

ચૂપચાપ ખાઈ લઇશ.

હું છો ને

નાસ્તિક છું

તું તારે કરજે

દશામાંનું વ્રત.

પણ, પ્રિયે!

તારે

માથે મેલું ઉપાડતી

મારી મા-બેનને

માણસ તો માનવા

પડશે!

તારી નવરાશે

ક્યારેક

એમનાં માથાંમાંથી

જૂઓ-લીખો પણ

વીણવી પડશે.

મૃત્યુ શૈયા પર સૂતેલા

મારા બીમાર બાપને

દેશીની થેલી

વાટકામાં ઓરી

ચમચી-ચમચી

દેશી દારૂ પણ

પાવો પડશે.

રાત પડે

રામાપીરના મંદિરે

મંજીરા-કરતાર-ઢોલકાં વગાડી

ભક્તાણી હોવાનો

ડોળ કરતી

મારા બંઘ મિલ

કામદારની પત્નીઓ

દિવસે લાલીનો લપેડો કરી

લટક મટક કરતી

ક્યાં જાય છે?

કયા વરૂઓ પાસે જાય છે?

કેમ જાય છે?

તો તારે

સમજવું પડશે, પ્રિયે!

કારખાનાંમાં કાળી મજૂરી કરતી

મારી ભાભીનાં

છોકરાની

ચડ્ડીના ખિસ્સામાં

ઊંઘવાની વેળાએ પણ

રસ્સી-ભમરડો

કેમ હોય છે

એનું રહસ્ય પણ

તારે જાણવું પડશે, પ્રિયે.

ચિક્કાર પીને સૂતા

અમારી ચાલી-મહોલ્લાના

દલિતકામદારો-શ્રમજીવીઓ

છેલ્લાં પોરની ઊંઘમાં

માલિકો-મૂડીપતિઓને

ગાળો કેમ બબડે છે

પણ

તારે સમજવું પડશે., પ્રિયે!

તારે

માર્ક્સ

બાબા સાહેબ

સાવિત્રીબાઈ ફૂલેને

વાંચવા-સમજવાં-નજીકથી જાણવા પડશે, પ્રિયે.

તારે

જાતિવાદ વિરુદ્ધ

મૂડીવાદ વિરુદ્ધ

પિતૃસત્તા વિરુદ્ધ

અમારી સાથે

યુદ્ધ

લડવું પડશે, પ્રિયે.

હું જાણું છું

શરતો બહુ આકરી છે, પ્રિયે

પણ આજ મારી શરતો છે, પ્રિયે

કબૂલ હોય તો બોલ

નહીંતર...........!!