sahiyari smriti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સહિયારી સ્મૃતિ

sahiyari smriti

મનીષા જોષી મનીષા જોષી
સહિયારી સ્મૃતિ
મનીષા જોષી

હાથીની સ્મરણશકિત તેજ હોય છે.

હું જે ભૂલી ગઇ ઘણું બધું

મને યાદ અપાવે છે.

હાથી

તેની ઊંડી, વિશાળ આંખો

મારી આંખોમાં પરોવે છે

અને મને યાદ આવે છે,

મારા પ્રિયજનની આંખોમાં પણ

હાથીની આંખો જેવી જ,

કંઈક અજબ વેદના હતી.

હાથી એના સ્વપ્નમાં વિહરે છે

કોઇ મુક્ત જંગલમાં,

અને હું પણ, તેની પાછળ પાછળ ફરતી હોઉં છું.

ક્યારેક ખુશીના ઉન્માદમાં કંઇક ચિત્કારે

અને એની અજાણી ભાષા

મને યાદ અપાવી દે છે,

મારી એવી કોઈ ગુપ્ત અને ગહન ખુશીની.

મહાવત નથી જાણતો

અમારા સહિયારા સ્વપ્નને.

હાથીના પગ બાંધીને, ફેરવતો રહે છે એને,

એક ગામથી બીજે ગામ.

ગામની ગલીઓમાંથી હાથી પસાર થાય

એટલે જાણે કૌતુક જોઈ લ્યો.

પહેલા માળના ઘરની ચાલીમાંથી

એક નાનકડી છોકરી બહાર આવી,

અને હાથીએ ઉપર લંબાવેલી સૂંઢમાં

તેણે કેળું મૂકયું.

હાથી જાણે છે

કે છોકરી, હું હતી.

આજે હવે, હું એક સુંદર યુવાન સ્ત્રી,

વૃદ્ધ હાથીની પાછળ પાછળ

ફરતી રહું છું, એક ગામથી બીજે ગામ,

હું જે જીવી ગઇ ફરીથી જીવવા.

મહાવત ક્યારેક હાથીને ફટકારે ત્યારે

એના સોળ મારી સ્મૃતિ પર પડે છે.

હાથી હવે વધુ ચાલતા થાકી જાય છે.

અને હું પણ હવે સ્મૃતિઓની સેળભેળ કરવા લાગી છું.

હાથી, મારી સામે

વેદનાભરી નજરે જુએ છે,

પણ મારી આંખોમાં હજી પણ છે કૌતુક,

નાનકડા ગામમાં આવી ચડેલા.

એક વિશાળકાય, મહાકાય હાથીને જોયાનું કૌતુક.

સ્રોત

  • પુસ્તક : કંદમૂળ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : મનીષા જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2013