sagar kawya - Free-verse | RekhtaGujarati

સાગર કાવ્ય

sagar kawya

સુધીર દેસાઈ સુધીર દેસાઈ
સાગર કાવ્ય
સુધીર દેસાઈ

દાદા શાંતિથી એમના ખંડમાં એકલા બેઠા હોય અને

કોઈ નાનું બાળક ત્યાં તોફાન કરતું પહોંચી જાય

ને દાદા જાણે ઊઠીને પકડવાના હોય એમ

પગ લાંબો કરતાં બોલે,

‘ઊભો રહેજે આવું છું પકડવા.’

ને બાળક તુડબુડ તુડબુડ નાસી જાય

પાછળ જોતું જોતું, ને દૂર જઈ જોયા કરે,

એમ દરિયાને કિનારે કાગડાઓ

છેક પાણી સુધી પહોંચી જાય છે ઠેકતા

ત્યારે

એકાદ મોજું જોરથી ધસી આવે છે એમના તરફ

ને કાગડાઓ ઝડપથી ઠેકતા ઠેકતા

પાછળ જોતા જોતા દૂર જઈ ઊભા રહી જાય છે.

દાદા આમ તો આખો વખત શાંત બેસી રહે

ક્યારેક ગમ્મત કરાવે,

એમની મૂછો કોઈ ખેંચે

કે એમના ઉપર બેસી ઘોડો ઘોડો રમે

તોય કાંઈ બોલે નહિ.

પણ કોઈ વાર જો ગુસ્સે થઈ જાય તો

આખા ઘરને ધ્રુજાવી મૂકે.

સામેના દરિયાને જોઉં છું ત્યારે મને એનામાં,

કોણ જાણે કેમ

મારા દાદા દેખાયા કરે છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 342)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004