અમૃતા પ્રીતમ
Amrita Pritam
ગંગાજળથી વૉડકા સુધી,
એક સફરનામું છે મારી પ્યાસનું...
સાદા પવિત્ર જન્મનો, સાદા અપવિત્ર કર્મનો, એક સાદો ઇલાજ
અને કોઈ પ્રિય ચહેરાને કોઈ એક છલકાતા
પ્યાલામાં જોવાનો પ્રયત્ન
અને પોતાના શરીરના એક બિલકુલ અજાણ્યા
જખમને ભૂલવાની જરૂરિયાત -
આ કેટલા ત્રિકોણ પથ્થરો
કોઈ પાણીને ઘૂંટડે ઘૂંટડે ગળે ઉતાર્યા છે
કેટલાંયે ભવિષ્યોને વર્તમાનથી બચાવ્યાં છે
અને કદાચ સાંપ્રત પણ - મેં સાંપ્રતથી બચાવ્યો છે...
ફક્ત એક વિચાર આવ્યો છે
કેટલીયે વાર આવે છે
જેમ કેટલીયે વાર એક સારંગીનો ગજ-
અચાનક કોઈ રાગની છાતીમાં ભોંકાય છે.
કે ચૂપચાપ એક પિયાનો –
કાળા અને સફેદ દાંતમાં સંગીત ચાવે છે.
એક ખ્યાલ આવે છે-
પણ જેમ કોઈ મોતનો એક ઘૂંટડો ભરે
ડરે, અને પછી તરત એ ખ્યાલને ઓકી નાખે...
પણ મરેલી છાતીઓમાં પણ કંઈક શ્વાસ ચાલતો હોય છે
અને અટકેલા શ્વાસ સાથે આજે હું કહી શકું છું...
કે દરેક સફર ફક્ત ત્યાંથી જ શરૂ થાય છે
- જ્યાં આ સફરનામાનો અંત આવે છે.
(અનુ. જયા મહેતા)
સ્રોત
- પુસ્તક : અમૃતાવિશેષ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 1992
