વિરારથી ચર્ચગેટ – લોકલ ટ્રેનમાં
viraarthii charchgate - local trainmaan

વિરારથી ચર્ચગેટ – લોકલ ટ્રેનમાં
viraarthii charchgate - local trainmaan
નલિની માડગાંવકર
Nalinee Madgavkar

વિરારથી ચર્ચગેટ તરફ...
દોડતી... હાંફતી... દોડતી
હકડેઠઠ્ઠ ભરેલી લોકલ ટ્રેન.
ભીંસમાં
પ્રવેશ્યું એક રંગબેરંગી પતંગિયું
અને...
અચાનક,
ગંધાતો ડબ્બો બન્યો મધમધતો બગીચો.
જોઉં છું,
માણસોના હેન્ડલ પકડેલા ઊંચા હાથ...
બધા જ
જવાબદારીના પહાડ ઊંચકતા ગોવર્ધનધારી.
અનેક થાંભલા પર ગોઠવાયેલી ઇમારત જેવો ડબ્બો...
સહુ વચ્ચે
ગલોટિયાં ખાતું ખાતું...
કોઈના પગ, કોઈનો ચહેરો ચૂમતું ચૂમતું
એક છેડેલી બીજે છેડે એ નીકળી ગયું,
નિર્ભય પ્રવાસ કરતું કરતું...
પોતાની દિશામાં આગળ વધવા એણે
કોઈનેય ધક્કા ન માર્યા.
જેણે એને જોયું
એ સહુની નજર બની
પારધીમાંથી માળીની.
એ જ્યાં જ્યાં ઊડ્યું
ત્યાં ત્યાં તૈયાર થયો
સૌંદર્યનો એક ઊડતો નકશો.
એને પહોંચવું હતું ફૂલ સુધી
એ ફૂલ બનીને



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર ૨૦૦૦ – જાન્યુઆરી ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન