aanth pantrisni memu - Free-verse | RekhtaGujarati

આઠ પાંત્રીસની મેમુ

aanth pantrisni memu

પરેશ દવે 'નિર્મન' પરેશ દવે 'નિર્મન'
આઠ પાંત્રીસની મેમુ
પરેશ દવે 'નિર્મન'

કોઈએ એની નોંધ લીધી

ત્યારે એને લાગ્યું કે

નિરાકાર છે!

8:35ની ચર્ચગેટથી સેન્ટ્રલ જતી મેમુમાં

કોઈએ ધક્કો માર્યો

ને એણે કશો પ્રતિકાર ના કર્યો

અલબત્ત એણે વિચાર્યું

નિરાકારને અહં હોઈ શકે

બધાં આકાર એના પોતાના છે એમ માની

એણે ભીડમાં ટકી રહેવા

હેન્ડલ તરફ હાથ લંબાવ્યો

ને સહસ્ત્રહસ્ત થઈ ગયો

એને બોધ થયો

કે ગઈ કાલે આમ હતું

આજે પણ આમ છે

આવતી કાલે આમ રહેવાનું

સર્વકાલીન સત્યના પ્રકાશમાં

સેન્ટ્રલ સ્ટેશને સહસ્ત્રશીર્ષ અને

સહસ્ત્રપાદ લઈને ઊતરી પડ્યો.

સ્રોત

  • પુસ્તક : ભાવસૂત્ર (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : પરેશ દવે
  • પ્રકાશક : શોપિઝન
  • વર્ષ : 2022
  • આવૃત્તિ : 2