Rotalo - Free-verse | RekhtaGujarati

બધાં ચૂપચાપ બેઠાં હતાં ટેબલની પાસે

પેલી સ્ત્રી રોટલો શેકી રહી હતી.

બધાં એની પીઠની આરપાર શેકાયેલા

રોટલાને જોવાની કોશિશ કરી રહ્યાં હતાં

સ્ત્રીની પીઠ રોટલા જેવી ગરમ અને સફેદ

અચાનક ખાલી પ્લેટને છાતી સાથે ચાંપીને

બાળક બોલ્યું,

કેવું સારું થાત

અમે કૂતરાં હોત

અથવા સિંહ

અથવા હાથી

અથવા કંઈ પણ નહીં.

સ્ત્રીએ રોટલાના ટુકડા બધાંને આપ્યા

બાળક રોટલો ખાઈ ગયો

પાણીના પ્યાલાને નીચે મૂકી કંઈ વિચારતાં

બોલ્યો -

કદાચ માણસ થવું સારું છે

પણ ભૂખ લાગતી હોત તો વધુ સારું થાત.

જ્યારે ભૂખ લાગે છે ત્યારે

ચાંદ, ચો૫ડી અને માનો ચ્હેરો

મને રોટલા જેવો લાગે છે!

પછી હું માને ચૂમી ભરી લઉં છું.

તોપણ ભૂખનો ઘોડો દોડતો રહે છે

પેટના મેદાનમાં.

મા હસી રહી હતી

અને બાળક રોટલા ગણી રહ્યું હતું!

(અનુ. ગણપતલાલ ઝવેરી)

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ