re janki - Free-verse | RekhtaGujarati

ઓ જાનકી! જરી જો, જાનકી!

હજીએ દંડાય નારી તારા થકી....

કાશ! તે કર્યો હોત બળવો

તો કદીય ન લખાત

આવો અવળો ફતવો....

પતિને પગલે-પગલે

વનવગડો બેઠી-વેઠીને

તેં શા કાંદા કાઢ્યા બાઈ?

ચૌદ વરસ પતિની પૂંઠે-પૂંઠે

તું વન-વન રઝળી, વલવલી

તોય તારા પુરુષોત્તમની કાયા

જરીકેય ન હલબલી....

ખરું ઠરાવવા લેબલ મર્યાદાપુરુષોત્તમનું

તને સગર્ભાને, રાખી અંધારે – વનવગડે

તને છેતરી તજાવ્યું રાજરાણીપણું

આ તે કેવું એકપત્નિવ્રત?

તને નજરથી અળગી શીદ કરી?

તને વનમાં રઝળતી કરી

સોનાની પૂતળીને પડખે કરી-

કાશ! તને જ સાથે રાખી હોત તો?

ઘર-ઘર રામાયણ ના ભજવાતું હોત....