lakshmanrekha - Free-verse | RekhtaGujarati

લક્ષ્મણરેખા

lakshmanrekha

વિપિન પરીખ વિપિન પરીખ
લક્ષ્મણરેખા
વિપિન પરીખ

મમ્મી રોજ સવારે ઑફિસે જાય છે.

મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે.

મમ્મી જતી વખતે મને ખૂબ વ્હાલ કરે છે.

બકી ભરી મને કહે છે :

મારો ડાહ્યો દીકરો છે ને! તોફાન નહીં કરતો.

યમુનાબાઈને પજવતો નહીં,

અને મને એક ચૉકલેટ આપે છે.

હું યમુનાને પજવતો નથી.

બાઈ મને વાર્તા કરે છે :

વાંદરાની, હનુમાનની,

રાક્ષસની, રામની, રાવણની, સીતાની...

સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે.

મને પાછું વ્હાલ કરે છે.

કહે છે : ‘કેટલો મીઠ્ઠો છે મારો દીકરો’

અને વળી પર્સમાંથી એક ચૉકલેટ આપે છે.

હું એને પૂછું છું :

રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે, મમ્મી?

મમ્મી કહે :

‘હું ખૂબ થાકી ગઈ છું આજે.

રવિવારે તને રાવણની વાત કહીશ.’

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975