gharajhurapo 1 - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરઝુરાપો - 1

gharajhurapo 1

બાબુ સુથાર બાબુ સુથાર
ઘરઝુરાપો - 1
બાબુ સુથાર

બરફ પડી રહ્યો છે.

વીજળીના અજવાળા સાથે ચાંદીની પતરીઓ

ઘસાઈ રહી છે.

દિવસે અંગૂઠાના નખ જેવડું લાગતું શહેર

રાતે જોજનોના જોજનો સુધી

પથરાઈ ગયું છે.

વૃક્ષોની અંદર અને વૃક્ષોની બહાર

સૂનકાર જાળાં ગૂંથી રહ્યો છે.

મને યાદ આવે છે મારા ગામની રાતો

જ્યારે હું સૂતો હતો ઓસરીમાં

ઘઉંના મોલની આંગળી ઝાલીને.

ક્યારેક હું બાએ કહી વિક્રમ રાજાની વાર્તામાં આવતા ઘોડાની પીઠ

પર

હોડી પલાણતો,

તો વળી ક્યારેક મણમઠિયું આવે

અને મણ મઠ માગે એની

રાહ જોતો,

શિયાળ ક્યારે મારી સાથે રમવા આવશે?

પડ્યો પડ્યો વિચારતો.

બા કહેતી કે નાની હતી

ત્યારે વગડામાંથી એક શિયાળ

માથે મોરનાં પીંછાં પહેરીને

એની સાથે રમવા આવતું.

ક્યારેક હું પડ્યો પડ્યો રાહ જોતો

પથરી ખાણે નાગ બહાર ફરવા નીકળે એની.

કોઈકે કહેલું કે નાગની ફેણ પર પારસમણિ છે.

એનું અજવાળું બાર બાર ગાઉ સુધી પડે છે.

મને ઘણી વાર થતું :

જો નાગ મને એનો પારસમણિ આપે તો કેવું?

તો હું બાના દાતરડાને સૌ પહેલાં તો સોનાનું બનાવી દઉં.

પણ પછી થતું : બા ઘાસ શાનાથી કાપશે?

તો પછી બોડી શું ખાશે?

હું મનોમન પ્રાર્થના કરતો :

મને નાગ એનો પારસમણિ આપે તો સારું.

પણ પારસમણિનું અજવાળું આપે તો હું ચોક્કસ લઈશ .

પછી હું ફાનસના બદલે

પારસમણિને અજવાળે લેસન કરીશ.

હું સૂતો હોઉં ત્યારે ઘણી વાર

મંગળકાકાની ખાટી આંબલીના થડમાં રહેતી ચૂડેલ આવતી.

મારા ખાટલાના ચાર પાયે ચાર કોડિયાં મૂકતી

ને પછી ચાલી જતી.

એના ગયા પછી કોડિયામાં

આંબલીનો મોર દિવેટ બનીને બળતો.

ઘણી વાર મહાસુખકાકાના પીપળાના થડમાં રહેતો ભૈરવ

મારા ઓશીકાની નીચે

એનો ગમાણિયો દાંત મૂકી જતો.

પડ્યા પડ્યા

મને ક્યારેક થતું;

ગામની કીડીઓ

જો હાથી બનીને ફળિયામાં નીકળી પડે તો કેવું?

પેલો સાત પૂંછડીવાળો ઉંદર

હાથમાં મેરૈયું લઈને તેલ પુરાવવા નીકળે તો

આજે દિવાળી કહેવાય કે નહિ?

હું જોઈ રહ્યો છું બારી બહારઃ

ઠેર ઠેર બરફ પથરાઈ ગયો છે.

ઘરની પછવાડે આવેલા કબ્રસ્તાનમાં દાટેલાં શબોનાં હાડકાં

અને એકલદોકલ ચાલ્યા આવતા મનુષ્યોની સ્મૃતિઓ પણ

બચ્યાં નથી એનાથી.

આખું શહેર જાણે કે

ચાંદીમાં બોળેલું રૂનું પૂમડું.

હમણાં સવાર થશે,

દૂધિયા કાચની પેલે પાર

એક સૂરજ ઊગશે.

પછી શહેર બધાના ખભા પર

અને

બધા શહેરના ખભા પર

બાબરિયા ભૂતની જેમ ચડી બેસીને

નીકળી પડશે.

સ્રોત

  • પુસ્તક : ઘરઝુરાપો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : બાબુ સુથાર
  • પ્રકાશક : હેતુ પ્રકાશન
  • વર્ષ : 2010