rasto - Free-verse | RekhtaGujarati

અરીસામાં દેખાતી

મારી સાવ ખોટૂકલી છબીની પાછળથી

ચાલ્યો જાય

મજાનો લીલોછમ એક રસ્તો.

આમ જોઉં તો મારી પાછળ

ને આમ જોઉં તો આગળ

મને લલચાવતો જાય

ફૂલગુલાબી હસતો

છબીની પાછળ જોઉં

મજાનો લીલોછમ એક રસ્તો.

રસ્તા ઉપર ચાલવા જાઉં

તો છબી વચમાં આવે

ને જોઉં હું થઈ આડીઅવળી

તો રસ્તો સંતાઈ જાય

નાનપણમાં રમતાં હું ને મારી બહેન

પગ લાંબો કરતી ને હું મારતી ઠેકડો

એક એક ઠેકડે વાડ ઊંચી કરતી ચાલે

પગની પર પગ ને ઉપર હાથ બે લંબાવે

ને અડધી ઊભી થાતી મને હંફાવે

યાદ કરી હસી હું કરું મારવા ઠેકડો

થઈ જાઉં છબીની પાર

ત્યાં તો છબી પોતે મારી સાથે

મોટી મોટી થતી ચાલે.

રોજ રોજ છબી

મારી સાથે હોડ લગાવે.

હું ઠેકડા મારતી રહું અરીસાની પાર

ને પાર

અરીસામાં છબીની પાછળ

રહે હસતો

મજાનો લીલોછમ રસ્તો.

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : નવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019