
ઘરમાં લાવેલી બંદૂક
ઘર આખાને બદલી નાખે છે.
તમે મૂકો એને રસોડાની મેજ પર,
લંબાઈને પડી હોય, મરેલી જાણે:
પૉલિશ કરેલો કરકરો હાથો,
મેજની બહાર નીકળી આવતો.
ધાતુનું લાંબું નાળચું,
હરિયાળા કપડા પર
રાખોડી પડછાયો પાડતું,
શરૂઆતમાં – મહાવરા માટે –
બગીચાનાં વૃક્ષો પરથી,
રાતી દોરીએ ઝૂલતાં
ડબલાંમાં કાણાં પાડવાં.
પછી સસલું
માથા સોંસરું વીંધવું.
પછી ફ્રિજ ઊભરાવા લાગે પ્રાણીઓથી,
જે કદી દોડ્યાં હતાં, ઊડ્યાં હતાં.
તમારા હાથ ગંધાય ગંધકથી
અને આંતરડાંથી, તમે કચડતાં ચાલો
રુંવાટીને પીંછાંને, તમારાં પગલાં
ઉતાવળાં ઊપડે, તમારી આંખો ચમકે
જાણે તાજા સંભોગ પછી,
બંદૂકથી ઘર જીવતું થઈ જાય છે.
હું જોડાઉં છું રાંધવા: છોલવામાં
અને છીણવામાં, સાંતળવામાં અને ચાખવામાં–
ઉત્તેજના વ્યાપી વળે છે મને, મહાકાળ
આવ્યો છે ઉજાણીએ, પગેરું દબાવતો
શિયાળુ વગડામાંથી.
એના કાળા મુખમાંથી
ફણગાય છે સોનેરી જાસવંતી.
(અનુ. ઉદયન ઠક્કર)



સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 192)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023