Thanking You, Yours Faithfully - Free-verse | RekhtaGujarati

થેન્કિન્ગ યુ, યૉર્સ ફેઈથફુલી

Thanking You, Yours Faithfully

મેઘનાદ હ. ભટ્ટ મેઘનાદ હ. ભટ્ટ
થેન્કિન્ગ યુ, યૉર્સ ફેઈથફુલી
મેઘનાદ હ. ભટ્ટ

અંધેરીથી ચર્ચગેઈટ સુધી

જીવવાનો પાસ કઢાવી લીધો છે,

હવે રીટર્ન ટિકિટની જરૂર નથી.

હેમ્લેટની જેમ

‘ટુ બી ઑર નોટ ટુ બી’નો પ્રાણપ્રશ્ન પણ

હવે મૂંઝવે એમ નથી.

ઘેટાં ને બકરાંય જે સ્થિતિમાં

ગોવાળ ને રખેવાળ સામે શિંગડાં ઉગામે

એવી સ્થિતિમાંય આપણા રામ તો

પીઠ પરનું ઊન નિરાંતે કપાવવા દે છે.

બીજો વિકલ્પ પણ ક્યાં છે. આપણા રામ પાસે?

અંધેરીથી ચર્ચગેઈટ સુધીનાં બધાં સ્ટેશનો

મોઢે થઈ ગયાં છે આપણા રામને.

વૈશાખી વંટોળ હો યા હો,

આપણા રામે તો સૂકાયેલાં પાંદડાંની જેમ

ફેરફુદરડી ફર્યે જવાની છે.

લાઈટ કે પંખાનીય શી જરૂર છે?

પાપી પેટિયાની ટાંટિયાતોડ માટે

પરસેવો તો પાડવો પડેને ભાઈ!

ઑફિસની ટાઈપરાઈટર પર એકધારો

શુષ્ક આંગળાનો સ્પર્શ થયા કરે છે.

પ્રિન્ટીંગ પ્રેસમાં નીકળતા છાપાની જેમ

પત્રો અવિરત ટાઈપ થયા કરે છે.

બધું બરોબર જચી ગયું છે આપણા રામને

દરેક પત્રને છેડે આવતું

‘થેન્કિન્ગ યુ, યૉર્સ ફેઈથફુલી’

આપણા રામનું એક અવિભાજ્ય અંગ,

બની ગયું છે જાણે, અને એથી

માત્ર એક વિનંતી છે આપણા રામની

એના સ્વજનોને,

એના મૃત્યુબાદ ‘હે રામ’ બોલશો.

બોલજો માત્ર

‘થેન્કિન્ગ યુ, યૉર્સ ફેઈથફુલી.’

સ્રોત

  • પુસ્તક : આઠમા દાયકાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : સુમન શાહ
  • પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
  • વર્ષ : 1982