adlabadli - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અદલાબદલી

adlabadli

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
અદલાબદલી
ઉદયન ઠક્કર

સ્વદેશી ખાદીના પહેરણનું એક દુ:ખ :

ઇસ્ત્રી સાથે

પણ

અસહકાર કરે,

જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે

યરવડાના કેદી સમો

ઉતારનારને મળી જાય

આઝાદી.

હતું મારી પાસે પણ એક—

બાંય, બટન

સાલું સાવ સેવાગ્રામી

એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.

ટાઢે પાણીએ ખસ ગઈ.

બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો.

ખોલ્યો ડરી ડરીને

પારકા પ્રેમપત્રની જેમ.

ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ,

બદામી દોરાનું બારીક ભરતકામ,

બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે...

ધોબી, તેં તો જિંદગી બદલી નાખી

રામની અને રમતારામની.

ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ

ધબ્બો મારીને પડોશી બોલ્યા,

હવે તું માણસમાં આવ્યો ખરો!

બીજાં બધાં તો ઠીક,

પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી.

પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ

મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની.

રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે.

એકસાથે બન્ને તો ક્યાંથી મળે -

સેંથી અને ટાલ

કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ

રેશમ અને પતંગિયું.

ફળિયે પીંજારો બેઠો હોય

હવામાં ઊડતા જતા હોય રૂના પોલ

એવો હળવો હતો હું

પુરાઈ ગયો એકાખેક, કોશેટામાં.

કાલ રાતે મને સપનું આવ્યું.

સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય,

‘એ...ઈ, જરીપુરાણા ચિરાગ આપો...

બદલામાં નવાનક્કોર લો...’

...ક્યાં હશે અસલનો ચિરાગ?

હજીયે નજર ભરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં -

ક્યાંક પેલું જૂનું પહેરણ...

પણ ના, એનો મોંઘો પડેલો રેશમી ઝભ્યો

ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ.

સ્રોત

  • પુસ્તક : સેલ્લારા (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ.
  • વર્ષ : 2003