raat ra - Free-verse | RekhtaGujarati

ધૂણતાં ઢોલ

નાચતાં ડાકલાં

હાથ પકડીને ઊભા ટોડલા

ટગર ટગર તાકી રહેલાં પૈણાયાં

નીચું નમીને નીતરવા માંડ્યું

દીવેલની વાઢીનું નાળચું.

ચોરસીમાંથી ઘીનો ઘાડવો

બહાર આવીને બેસી ગયો પાસે

માંચાની આંદેણી આંખો ચોળતી ચોળતી

ઊભી થઈને રોવા બેઠી

ગોદડાના ગાભાએ ઊંહકારો કરી

ગળફો કાઢ્યો હાક્...થૂ...

ચૂલામાં અડવેલું ઊંબાડિયું

પીવા માંડ્યું ધુમાડો

રાખમાં ચીપિયો

શોધવા માંડ્યો અંગારા

પાણિયારું ઊજાતું જઈને

લઈ આવ્યું નારિયેળ

વળગણીએ લટકતાં બાળોતિયાં

એકબાજુ મૂકી દીધાં

આળિયાએ ઊભા થઈને

ભાથડી ખોલી કાઢી તમાકુ

ખાઈણિયો સાંબેલું લઈને

કૂશકા ખાંડવા બેઠો

ઘંટી થાકી-પાકી

ટૂંટિયું વાળીને સૂઈ ગઈ

ઉખડેલા લેંપણમાં

દાણા વેરાયા

કંકુનો પડો ઢોળાયો જેફરાંમાં

ભેંતડાં આઘાપાછાં થઈ ગયાં

ખૂણામાં પડેલી સાવરણી

હાકોટા-છીંકોટા સાથે

ઘરમાં ઘૂમવા લાગી

ત્યારે

ધૂણતાં ઢોલ અને નાચતાં ડાકલાં

સામે

સૂકાઈ ગયેલી

બોઈડીના કાંટા જેવાં

હાડપિંજર

માથેથી ફાળિયાં ઉતારી

ખોળા પાથરીને કરગરવા માંડ્યાં

કરગરવા માંડ્યાં...

પણ અંધારાને જણનારી રાત

કેમેય કરીને ખસે નહિ!

સ્રોત

  • પુસ્તક : અજાણ્યો ટાપુ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન
  • વર્ષ : 1997