Raah Jovi - Free-verse | RekhtaGujarati

જે રાહ જુએ છે તે હમેશાં મા હોય છે,

એની બધી આંગળીઓ ચગદાઈ ગયેલી

જગતનાં સ્વયંચાલિત બારણાંઓમાં,

એના સઘળા વિચારો જાણે કે

જીવતાં ટાંકણીથી જડી દીધેલાં સગર્ભ પતંગિયાં,

અને એના વાટવાનો અરીસો બતાવે

ક્યારનોય વહી ગયેલો કાળ, જ્યારે

ખુશીની કિકિયારીઓ સફરજન-વૃક્ષોમાં લંબાતી રહી હતી.

અને ઘરમાં રીલ અને દોરો એકબીજાને ઘુસપુસ પૂછે :

આપણું શું થશે?

જે રાહ જુએ છે તે હમેશાં મા હોય છે,

અને હોય છે બીજી હજાર વસ્તુઓ જેમના ભાગ્યમાં હોય છે

દુર્નિવાર પતન.

જે રાહ જુએ છે તે હમેશાં મા હોય છે,

નાની થતી, નાની થતી,

ઝાંખી થતી, ઝાંખી થતી,

સેકંડે સેકંડે,

ત્યાં સુધી કે અંતે

કોઈ એને જુએ.

(અનુ. હસમુખ પાઠક)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1977 (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ