dikrane... - Free-verse | RekhtaGujarati

૧. પહાડ : ગઈ કાલે

તારે માટે હું એક પહાડ

પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો

ઊંચો પણ ઇચ્છે તો ઓળંગી શકાય એવો.

કરાડો પર ખીલા ફટકાવી

મોકાની તરાડો પર પંજા ભરાવી

બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો

કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.

પહાડનાં વનોમાં

તારા તનને પુષ્ટ કરતાં

ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં

પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ

તારે માટે તો છે.

ને પછી નિરાંતવા રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.

ને ફરી પરોઢે કરડી કરાડો.

પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું

પુષ્ટ અને પહોંચેલો,

સુવાંગ તારી માલિકીની બનવાની છે આઘેની જમીનમાં,

ત્ચારે,

પાછળ,

ટાઢા ધુમ્મસથી ધીમે ધીમે ઢંકાતી જતી

અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી ગિરિમાળાને

જરી અડકજે અટક્યા વિના

સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી...

૨. ભેટ : આજે

અઢારમી વરસગાંઠે તને ભવિષ્ચવૈભવીને

બીજી તો કઈ ભેટ આપું?

એક આટલી

કે તું નીકળી પડ્યો હોય એકલો એકલો કોઈ સ્વૈર પ્રવાસમાં

ને કોક અજાણ્યા રેલવે પ્લૅટફૉર્મ પર, ચાર્ટમાં

ચેક કરતો હો પોતાનું નામ, ટટાર ઊભો, માથું

સ્હેજ ત્રાંસુ ઝુકાવી, સ્નેહ ઝીણી આંખ કરી,

આછા એક સ્હેજ તણાવમાં (કે થઈ ગયું કનફર્મ?)

ત્યારે મળી આવે તને તારું નામ,

ને તારા પ્રથમ નામ અને અટક વચ્ચે, પૂરી ખાતરી

કરાવતું, મારુંયે,

પૂર્ણવિરામવાળા એક અક્ષર રૂપે,

અથવા, બહેતર, થોડીક કોરી જગ્યા રૂપે,

ડાઘડૂઘ વગરની...

૩. આવતી કાલે સ્મરણ

ઝાઝું થાય મારું

રીતે તારા ભૂતકાળમાં ભળી જવાનું હું પસંદ કરું.

મોર્નિંગ કપના સ્વાદની પેલી તરફની તરલ ફ્લેવર માફક

ક્યારેક મારી યાદ આવે,

સહેજ,

તો ચાલે.

કે પછી

કોક કોન્ફરન્સ મનપસંદ રીતે હેન્ડલ કરી તારે ગામ તું પાછો

ફરતો હો,

આરામભર્યા એ.સી. કમ્પાર્ટમેન્ટમાં,

અને લાંબા અંતરે આવેલાં બે અજાણ્યાં સ્ટેશનો વચ્ચેના

એકધારા વગડામાં થઈને

પ્રલંબ લયે તારી ટ્રેન પસાર થતી હોય,

ત્યારે સાંજરે છ-સાડા છએ,

સર્વિસ ટી પીતે પીતે

બારી બહાર જોતે જોતે,

ચારપાંચ સેકન્ડ માટે તારા ચહેરા પર આવેલા અકારણ સ્મિત

માફક...

(ઓક્ટોબર, ૧૯૯૮)

સ્રોત

  • પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009