prithwi kerun swarg shili sawar - Free-verse | RekhtaGujarati

પૃથ્વી કેરું સ્વર્ગ શીળી સવાર

prithwi kerun swarg shili sawar

હીરાબેન પાઠક હીરાબેન પાઠક
પૃથ્વી કેરું સ્વર્ગ શીળી સવાર
હીરાબેન પાઠક

સ્વામી ગૃહદેવતા!

..................

ગૃહ મહી પ્રવેશતાંવેંત

આ હું ભાળું છું તે શું?

ચક્ષુચિત્ત એક સંગે

ચાલે નહિ તસુ.

આ અવાવરુ ઘર :

આ ફરસ.

નિત્યે કેવી ઝળહળાં સ્વચ્છ!

કો નિર્મળ વદનશું

પ્રતિબિમ્બિત પદાર્થ રજેરજ.

તે આજ, છાઈ ગઈ

મલિન મ્લાન આવરણરજ:

મહીંથી પ્રકાશી ઊઠી,

જાણે વદે વડું અચરજ.

પરસ્પર ફરશ આ

ગુફ્તગો ગુંજી રહી,

વાચા વડે વિસ્મય વદી રહી.

‘મુજ પરે – મુજ પરે,

ગૃહસ્વામી પદાંકન :’

એવું ધીરું ઘેરું ગીત ગાય.

‘લાવ પગલાં હું

વીણી લઉં – હૈયે ધરું’

એવું મને થાય.

એ જ

લિખિતંગ

ઝૂરતી આ ગૃહિણીના

ઝાઝેરા જુહાર.

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007