prawasi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રવાસી

prawasi

મનીષા જોષી મનીષા જોષી

એક રળિયામણું ગામ છે તું.

હું પ્રવાસી બનીને આવું છું.

તને આશ્ચર્ય થાય છે.

ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,

એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.

અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.

હું તારી સીમ પર આવું છું.

અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.

પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.

અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.

તું કામોત્સુક બની જાય છે,

મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.

હું આવું છું તારા અંધકારની આડશે.

તને લાગે છે હું તારી કોઈ શેરી છું.

મને પણ લાગે છે, તું મારું ગામ છે.

પણ, તો યે, હું ફરી આગળ વધું છું.

કોઈ બીજા ગામને છેતરવા.

હું પ્રવાસી છું.

હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,

અને પછી વિશ્વાસઘાત કરું છું.

સ્રોત

  • પુસ્તક : કંદરા (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996