
ફરીવાર આકાશે અન્ધકાર ગાઢ થતો જાય છે :
પ્રકાશના રહસ્યમય સહોદરના જેવો આ અન્ધકાર.
જેણે મારા પર સતત પ્રેમ કર્યો છે
છતાંય જેનું મુખ મેં કોઈ દિવસ જોયું નથી,
તે નારીના જેવો
ફાગણના આકાશમાં અન્ધકાર નિબિડ થતો જાય છે.
યાદ આવે છે કોઈ વિલુપ્ત નગરીની વાત
તે નગરીના એક ધૂસર મહેલનું રૂપ જાગે મને.
હિન્દી મહાસાગરને તીરે
અથવા ભૂમધ્ય સાગરના કિનારે
અથવા ટાયરના સમુદ્ર પારે
આજ નહિ, કોઈ એક નગરી હતી એક દિવસ,
કોઈ એક મહેલ હતો;–
મૂલ્યવાન અસબાબથી ભરેલો એક મહેલ;
ઈરાની ગાલીચા, કાશ્મિરી શાલ, બેરિન સમુદ્રધુનીનાં
ઘાટીલાં મુક્ત પ્રવાલ,
મારું વિલુપ્ત હૃદય, મારાં મૃત ચક્ષુ, મારાં વિલીન
સ્વપ્ન અને આકાંક્ષા,
અને તું નારી –
આ બધું હતું પેલા જગતમાં એક દિવસ.
પુષ્કળ નારંગી રંગનો તડકો હતો,
અનેક કાકાકૌંઆ અને પારેવાં હતાં;
મેહોગનીનાં ઘટાદાર પલ્લવ હતાં અનેક;
પુષ્કળ નારંગી રંગનો તડકો;
અને તું હતી;
કેટકેટલી શતાબ્દીઓ થયાં તારું મુખ જોતો નથી,
શોધતો નથી.
ફાગણનો અંધકાર લઈને આવે છે પેલી સમુદ્રપારની કથા,
સુંદર મહેરાબ અને ઘુમ્મટની વેદનામય રેખા,
અસંખ્ય લુપ્ત નાસપાતિની ગંધ,
હરણાં અને સિંહનાં ચામડાંની ધૂસર પાંડુલિપિ,
ઇન્દ્રધનુ રંગની કાચની બારીઓ
મોરપીંછના જેવા રંગીન પર્દે પર્દે
કક્ષ અને કક્ષાન્તરથી વળી દૂર કક્ષ અને કક્ષાન્તરોનો
ક્ષણિક આભાસ–
આયુહીન સ્તબ્ધતા અને વિસ્મય.
પર્દા પર, ગાલીચા પર રક્તાભ તડકાનો ફેલાયેલો પ્રસ્વેદ,
રક્તિમ ગ્લાસમાં તરબુજ મદ!
તારો નગ્ન નિર્જન હાથ;
તારો નગ્ન નિર્જન હાથ.
(અનુ. ભોળાભાઈ પટેલ)



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ