prem - Free-verse | RekhtaGujarati

નાગાંપૂગાં બાળક માટેનાં

કપડાંનાં સપનાંથી

તારી ઊંઘ ફાટી જાય, તો મને કહેજે!

સ્વાદિષ્ટ કોળિયામાં

ખાલીખમ પેટમાંથી જોતી

આંખ દેખાય, તો મને કહેજે!

ઠંડું-ઠંડું પાણી પીતાં-પીતાં

ગોબા પડેલા બેડાના ભારના વિચારથી

થાકી જવાય, તો મને કહેજે!

મને કહેજે,

જ્યારે પોચા-પોચા બિસ્તરમાંથીઆવતી

ફાટીમેલી ગોદડીની ગંધ

નાકના ટેરવાને લાલ કરી નાખે.

મને કહેજે,

જ્યારે સ્વિમિંગ-પુલનું પાણી

શરીરને ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે.

મને કહેજે,

જ્યારે તને એવું લાગે

કે આવું તો મને મારી દુનિયામાં

પહેલીવાર લાગે.

હું જાણું છું

તું મને ચાહે છે

ચાહી શકાય એટલું ચાહે છે

વેઠી શકાય એટલું ચાહે છે

પણ મારા સુધી પહોંચવાનો

રસ્તો છે.

તને તો ખબર છે

પ્રેમમાં પીડા છે

તો ચાલને

સાથે મળીને

પીડાને

આપણી કને

રાખીને

વગર વાંકે પિડાતાને પ્રેમ આપીએ

પછી એમની પીડા

ને આપણી પીડા

આપણાં હૈયાંમાં

આપણા હૈયામાં ભેગી થશે (‘હૈયામાં'- સહેતુક અનુસ્વાર નથી)

ને ઊગી નીકળશે પ્રેમ

પ્રેમમાં હશે બસ પ્રેમ

પીડા જેવુંય કંઈ નહીં.

સ્રોત

  • પુસ્તક : 28 પ્રેમકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : ઉમેશ સોલંકી
  • પ્રકાશક : નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ
  • વર્ષ : 2022
  • આવૃત્તિ : 2