ચાર સિંહ ને એક ચક્ર - Free-verse | RekhtaGujarati

ચાર સિંહ ને એક ચક્ર

ચાર સિંહ ને એક ચક્ર

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
ચાર સિંહ ને એક ચક્ર
પ્રતિષ્ઠા પંડ્યા

ના, ના, સિંહ નથી

ના, ભરત જેની સાથે રમતો’તો સિંહ નહીં

જડબાં છો ખોલેલાં હોય

અને કદાચ તું દાંત પણ ગણી શકે એમ હોય

પણ ના.

તો નાનાં બચ્ચાં નહોતાં?

અને એમની પાસે આવા રાતનું ચામડું ચીરી કાઢે

એવા ધારદાર લોખંડી દાંત પણ ક્યાં હતાં?

કોણ જાણ ક્યા પ્રહ્લાદે

સારનાથના કયા થાંભલાને બાથ ભીડીને

કોનું નામ જપ્યું હશે કે એમાંથી

આવા નરસિંહ નીકળ્યા.

અંધારામાં ચમકતા ભીના રાતા કથ્થઈ દાંત

અને વચ્ચે વચ્ચે ડોકાતો સફેદ

એના પર હજુયે વળગેલો

છેલ્લા શિકારનો તાજો

હૂંફાળો સ્વાદ અને રસ.

જંગલ તો સ્તબ્ધ છે.

આવું એમણે પહેલાં ક્યારેય જોયું નથી.

વૃક્ષો ભયભીત છે

ચંદ્રના અજવાળાંનાં કફન ઓઢી

ઊભા મૂંગા પ્રેક્ષક જોઈ લ્યો.

છાતી પર ઝીલતા ગરજતા વંટોળ

ના એક હરફ, ના ચીસ.

પણ જંગલી હત્યાકાંડને અંતે

જ્યારે બધું જંપી ગયું હોય મડદાની જેમ

ત્યારે સૌ સાંભળે છે એમની રગોમાં

અવાજો ચક્રના

પૃથ્વીના પેટાળમાં

સિંહના પગતળે ગોળગોળ ફરતાં પૈડાંના.

એમની થીજી ગયેલી શિરાઓ

ધબકે છે ફરી

જાણે કોઈ કૂચકદમ ના કરી રહ્યું હોય

વસંતના રસ જેવું, સમુદ્રમંથનમાંથી

નીકળેલ સોમ સમું

કંઈ મૂળમાંથી ચાલી આવે છે.

હાથી, સિંહ, ઘોડા, બળદ,

મજૂર, ખેડૂત, દીન, સ્ત્રીઓ

ઘરવિહોણા, જમીનવિહોણા, મુખવિહોણા, અવાજવિહોણા

ઘોડા, બળદ, હાથી, સિંહ...

કયા નામવિહોણાં જાનવરો છે

જે ફેરવી રહ્યાં છે ચક્રને

કઈ તરફ?

સ્રોત

  • પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025