pratiruponi khoj - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રતિરૂપોની ખોજ

pratiruponi khoj

સાહિલ પરમાર સાહિલ પરમાર
પ્રતિરૂપોની ખોજ
સાહિલ પરમાર

તું ખીચડી ઓરવા માટે

દાળચોખા વીણે છે

કે દયણું કરવા માટે

ઘઉં વીણે છે

એટલી ચીવટથી

હું લખવા બેઠો છું કવિતા;

પ્રિય, તારા વિશે.

વિચારું છું

તારા ચહેરાને શી ઉપમા આપું?

બહુ વપરાઈ ચૂક્યો છે ચાંદ

- આઠમનો ને પૂનમનો ય.

ફૂલ પણ તાજું નથી રહ્યું એકે

વળી મારે તો શોધવા છે એવા શબ્દ

જેને તું અને હું

ઓળખતાં હોઈએ,

જીવતાં હોઈએ,

ને એટલે

હું કહીશ કે

મરચું વાટવાના દસ્તા સમો

લંબગોળ ભલે હો તારો ચહેરો

કે પછી

કોઈ અણઘડ કારીગરે

ટાંકણાથી ઠોકી ઠોકીને

બનાવેલા ખલ જેવો

શીળીનાં ચાઠાંવાળો

ભલે હોય તારો ચહેરો

હું એને ચાહું છું,

ચસોચસ ધાવું છું.

તું ચા બનાવતી વખતે

બુરાને બદલે મીઠું નખાઈ જાય

એની જેટલી દરકાર રાખે છે

એટલી દરકાર હું રાખીશ પ્રિય,

તારા વિશેની કવિતા

લખતી વેળા

ને એટલે હું તારા દાંતને

દાડમની કળીની ઉપમા નહીં આપી શકું.

હું તો કહીશ કે

મકાઈના ડૂંડામાં રહેલા

અસમાન રીતે ગોઠવાયેલા

નાનામોટા દાણા જેવા છે તારા દાંત.

તારી આંખોને

હું મૃગલીનાં નયન

કે મસ્તીના જામ નહીં કહી શકું

હું તો કહીશ કે

નાનપણમાં

ચૉટબિલીસ રમતાં

ભીંત સાથે અફળાઈને

તૂટી જતી પાણીદાર ડેબીનાં

ફાડિયાં જેવી છે તારી આંખો.

મારાં પાંચ પાંચ બચ્ચાંને

જન્મ આપીને

વસૂકી ગયેલી તારી કાયાને

હું વરસી ચૂકેલી વાદળી

કે કરમાઈ ગયેલું ફૂલ

કે ચુસાયેલી ગોટલી તો નહીં કહી શકું.

હું કહીશ તો એમ

કે પટેલિયાનાં છોકરાંઓએ

ઝૂડી પાડેલી બોરડી જેવી તારી કાયા

હજી યે આપે છે મને મીઠાશ,

રંગરોગાન થોડાં થોડાં ઊખડેલી

જૂની ઢીંગલી પણ

નાના બાળકને

આપી શકે એટલો આનંદ.

તારા રંગને

હું કૃષ્ણ જેવો કાળો

કે નીલા આકાશ જેવો તો

હરગિજ નહીં કહી શકું.

હું તો કહીશ કે

માએ સગડું ઠલવતાં

સાવ હેઠેથી નીકળતી

રખ્યા જેવો છે તારો રંગ

કે પછી માએ ખરીદેલા

ઓછા ભાવના ગોળને લીધે

સ્વાદમાં તો બરોબર

પણ દેખાવમાં સ્હેજ શ્યામ

શીરા જેવો છે તારો રંગ

તારા સ્વભાવને

હું ગુલાબ જેવો ગુલાબી

કે બરફી જેવો મીઠો તો નહીં કહી શકું

હું તો કહીશ કે

તારો સ્વભાવ છે

દારૂ પીતી વેળા ખવાતી

તાજી શેકેલી કોંકણી જેવો

કે પછી

ટાઢી છાશ રેડી

ટૅસથી ખવાતી ઘેંશ જેવો.

તારા પ્રેમને હું

ગંગાકી મોજ કે જમનાકી ધારા તો

નહીં કહી શકું.

હું તો કહીશ

કે શિયાળાની સવારે

ગરમ ગરમ હવાની સાથે

એટલા ખળભળાટથી ધસી આવતા

મ્યુનિસિપાલિટીના નળના

કરકરા પાણી જેવો

હૂંફાળો ને તાજગીદાતા છે તારો પ્રેમ

કે પછી મધરાતની મીઠાશને

હળવે હળવે

કેરીની જેમ ઘોળતા હાથ જેવો

મૃદુ ને માવજતભર્યો છે તારો પ્રેમ.

હા પ્રિય, હું લખું છું

તારા વિશે કવિતા

ને એટલે રાખીશ હું ધીરજ

જેટલી ધીરજ તું

રહુ મચ્છીનાં ભીંગડાંને

દૂર કરતી વેળા રાખે છે

કે પછી

ટાઢી સવારે

ભૂસાના સગડા પર

બાજરીના રોટલા ચેડવતાં રાખે છે.

જોકે આમ છે છતાંય

લંબાયેલા સમાગમથી

ક્યારેક જેમ અકળાઈ જાય છે તું

એમ હું

અકળાઈ ગયો છું કવિતા લખતાં

ને પછી

પાણી સ્હેજ વધારે પડી ગયું હોય

ને રસો સ્હેજ વધારે રહી ગયો હોય તોય

તું ઉતારી લે છે ક્યારેક ઉતાવળથી

ચૂલા પર ચડતું શાક

બસ એટલી ઉતાવળથી

હું મૂકી દઉ છું

ભાવક સામે

પ્રિય,

તારા વિશે લખાયેલી કવિતા

સ્રોત

  • પુસ્તક : મથામણ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : સાહિલ પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2004