આ ઓટ શી આજે સુભગ સુંદર!
જે જલ અહીં જલધિતણાં,
જે એકદા અભરે ભર્યાં,
તે ઓટટાણે આછર્યાં
ને સ્વયમ્ જૈ દશ કદમ
થૈ દૂર એ ઠેરી રહ્યાં;
થંભી ઝમીઝમી જૈ જમીને સૌ ઠર્યાં.
સ્નિગ્ધ ને સ્થિર દ્રવસપાટી થૈ શમ્યાં;
તેજાળ તાજગી તલલગી એ તગતગ્યાં;
ચોપાસ સર્વ પદાર્થ કેરું ઝાંયઝીલણ,
પ્રતિબિમ્બ પ્રગટાવી રહ્યાં.
રે! સુરખુભરી અરુણાઈથી મલકાઈને
પ્હોર પ્રભાતને પ્હેરી રહ્યાં;
જે ગત બધો ગંદવાડ ભરતી સંગ,
તેહનું ધોવાણ ને ડહોળાણ વળી ખોદાણ
કે કચકાણનું કકળાણ ના.
એ સિન્ધુપૂર્ણથી, પૂર્ણરૂપ
જલ બાદ થાતાં,
તખું અભિનવ પૂર્ણરૂપ ધારી રહ્યાં
હે અખિલ આનંદમય! હે પૂર્ણમય!
ઓટ આણે તે ક્ષણેયે,
ઓટ આવી આણજ



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 165)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ