malaske - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મળસ્કું

માછલી પકડવા તત્પર સૂરજ

તળાવમાં ઝાંખાં પ્રતિબિંબ

ચન્દ્ર ખાબક્યો તળાવ-દર્પણમાં

માંકડા જેવું પાણી

પડદા પાછળ ઊડતી સંભળાય

કૂકડાના અવાજની સોનામહોરો

જળ બની લહેરાય ઘર

ઊડ્યાં જંગલ

ગુલાબગોટા જેવા બેડાંની પાંખડી

પતંગિયાં થઈ ચાલી.

ઓગળી આછપની પનિહારી

કૂવો ભોંયથી બહાર આવી

વહેંચાઈ ગયો.

બધું વહે.

ઓગળી ચાલી ચળકતી પાંપણો.

ધસમસ આવી ઊભું દરિયા કાંઠે.

કાંઠાના પાણીનું પાતળું પડ ઊંચકી

નેળિયામાં કોઈ જાય એમ બધું અંદર.

ઓગળેલી પાંપણ અંદર જઈ માછલી થઈ.

એના મોંમાંથી કૂદી માછલીઓની માછલીઓ

દરિયો ઊભરાયો, બધે ફેલાયો.

પર સેવાળનું પડ.

માછલી શોધે સૂરજ.

સેવાળ પર માંડે કવાયત ડગ.

થથરે સેવાળ પડ.

અંદર હાલતું જળ ઇંડાની જરદી જેવું સંભળાય.

જાડું પડ ફાટે ના ફાટે એવું.

હવે ફાટ્યું.

સૂરજ દરિયામાં રોપાઈ ઊતર્યો

જઈ મળ્યો માછલીઓને.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008