પ્રતિબિંબની ઉક્તિ
Pratibimbni Pankti
ધીરુ પરીખ
Dhiru Parikh

હે બિંબ,
આપણે કેટલાં નિકટ આવતાં જઈએ છીએ!
જે તારામાં છે તે બધું જ મારામાં છે-
એક મસ્તિષ્ક
બે હાથ
બે પગ
એ જ સકલ રૂપરંગ!
વાસ્તવમાં તો તું જ ઝંખે છે
મને તારામાં સમાવવા.
અને માટે તો
તું નજીક અતિ નજીક
વધુ અને એથીયે વધુ નજીક
સરતું આવે છે.
હમણાં જ એક થઈ જઈશું આપણે જાણે!
લો, આ તેં મને તારામાં સમાવી...
અરે! પણ કોઈ આ દર્પણ તો ફોડો...!



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ