shokaprdeshman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શોકપ્રદેશમાં

shokaprdeshman

પ્રબોધ પરીખ પ્રબોધ પરીખ
શોકપ્રદેશમાં
પ્રબોધ પરીખ

મારી સમજનાં મેદાનોમાં રાતનો ઉતારો,

અંત સુધી પંખીઓને જોઈ ના શકું

ને લોહીની ખારાશનો સ્પર્શ નહિ,

સમુદ્રની ખાલી છે આંખો પૃથ્વી પર

સારથિની હતાશાનો ભય મારી નસનસમાં;

બેબાકળો થઈને જાગી ગયો છું

મારી સર્જિત દંતકથાના દુઃસ્વપ્નમાંથી,

પીળી થતી જાય છે મારી પ્રાર્થના.

ઘરથી દૂર દિશાનું દાન ક્યા મનુષ્ય પાસે મળશે મને,

ડંખતા સાપોની સ્મૃતિ સામે

અગતિનો શાપ મગજમાં રહ્યો હવે.

મોક્ષનાં ભ્રમનાં વર્તુળમાં ફરતો રહીશ,

એવા શબ્દોના વેષ પહેરી ભટકતો રહીશ હું,

પરદેશી, શોકપ્રદેશમાં.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981