
મારી પ્રિયતમા
તારા વાળ છે એક રાજ્ય
અંધકાર ત્યાંનો રાજા છે
તારું લલાટ છે ફૂલોનું ઉડ્ડયન
તારું શિર છે ઝડપી જંગલ
ઊંઘતાં પક્ષીઓથી ભરેલું
તારા શરીરની ડાળી પર
તારાં સ્તન છે શ્વેત ભમરાનું ટોળું
તારું શરીર મારે માટે એપ્રિલ છે
જેની બગલમાં છે વસંતનો ઉઘાડ
તારા સાથળ છે રાજાઓના રથને જોડેલાં શ્વેત અશ્વો
તેઓ સારા ભાટચારણ જેવા છે
તેમની વચ્ચે હંમેશાં હોય છે મધુર ગીત
મારી પ્રિયતમા
તારું મસ્તક છે મંજૂષા
તારા મનના ઠંડા રત્નની
તારા માથાના વાળ છે સૈનિક
પરાજયથી અજાણ્યા
તારા ખભા પરના વાળ છે લશ્કર
વિજય અને જયભેરી સાથેનું
તારાં ચરણ છે વૃક્ષો સ્વપ્નીલતાનાં
એનાં ફળો છે આહાર માત્ર વિસ્મૃતિનો
તારા હોઠ છે લાલરંગી સૂબાઓ
જેમના ચુંબનમાં રાજાઓનો સમન્વય છે
તારાં કાંડાંઓ
પવિત્ર છે
જે લોહીની ચાવીઓના રખેવાળ છે
તારી ઘૂંટી પરનાં તારાં ચરણ ફૂલો છે
ચાંદીની ફૂલદાનીમાં
તારા સૌંદર્યંમાં વાંસળીઓની દ્વિધા છે
ધૂપથી સાકાર થયેલી ઘંટડીઓની
તારી આંખો છે છેતરપિંડી.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ