vagdo - 1 - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાડની ક્યાં વાત કરો છો

આખો વગડો અમારો છે

લૂગડાં અમારાં

એને ઓઢી પાથરી પહેરી જીવીએ

એને ખાઈ પી ન્હાઈ ધોઈ જીવીએ

ને એટલે

એકાદ વેંત દાતણ તોડવું હોય ને

તોય માફી માગીએ છીએ બે હાથથી ઝાડની

ભોંય પર પેશાબ કરવો હોય તોય

એનો મંતર બોલીએ કે

મા માફ કરજે

કારણ જીવાડે છે ને જીવીએ છીએ

કદી ભૂખ્યા સુવા દીધા નથી વગડે

કદી તરસ્યા રાખ્યા નથી નદીએ તળાવે

હા

પેલા પેન્ટમાં બુશટ ખોસીને ધસ્યા આવે છે ને ગાડીઓમાં

ભૂખે મારવાના છે

તરસ્યા રાખવાના છે

છોરાં ને ઢોરાં મેલાવવાના છે

એમ લાગે

અલ્યો તમે ફક્ત વગડાઉ માણસને બસ માણસ કહી દો ને

એટલે આખુંય પર્યાવરણ પર્યાવરણ

કારણ વગડો તો અમે છીએ

અમારાથી હર્યોભર્યો

ને ગાતો નાચતો લહેરાતો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ