te pahelan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘાસનાં નાનકાં ફૂલોની ઝૂલ નીચે

નિરાશ્રિત પવન ઊંઘી ગયો.

કપાસનાં કાલાંમાંથી ધસી આવેલી

ધવલતામાં બાલકિરણોની સહજ સંતાકૂકડી જોઈને

ભોંઠો પડેલો અંધકાર

ખરેલાં પાંદડાં નીચે ભરાઈને જુદો રહ્યો.

ઘેટાંના ટોળાની ઊજળી ભોળાશ

પાંગરેલા મેદાન પર ફેલાઈ ગઈ.

બાજરીના વાવેતરમાં.

ઊંચા વધીને અવાજ કરતા જુવારના છોડવાઓએ

ખેતર ચણવાનો અવાજ કર્યો.

શેઢા પરની ધરો સુકાઈ ગઈ

મેં જોયું.

તે પછી મારા ગામની સીમની

ઊંડી આંખ જેવી તલાવડી સુકાઈ ગઈ,

એટલું નહીં, આકાશમાંથી પંખી ખર્યું

અને વડવાઈ ધ્રૂજી નહીં.

તે દિવસે એક ખિસકોલી

વડના પાંદડેથી સરકીને સડક પર પડી.

હું ખાતરી કરત પણ બધાંમાં દોરવાઈ ગયો.

માતાએ આપેલા હૃદયને દેશવટો મળે

અને મારા વિચારોને કરચલી પડે

તે પહેલાં મેં ઘર બદલ્યું.

(૧૯૬૪)

સ્રોત

  • પુસ્તક : તમસા (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 3