દિવસો પછી માણેલી એક સવાર
Divso Pachhi maneli Ek Savar
જયદેવ શુક્લ
Jaydev Shukla

આ
ગાયોના આંચળમાંથી બોઘરણામાં છંટાતી દૂધની સેરનાં સ્રોતો!
આ
ખેતરમાં દોડવા અધીર બળદોને કંઠે રણકતી ઘૂઘરીઓના પ્રભાતિયાં
આ
સવારનું કપૂરી અજવાળું!
આ
શીતળ સમીરનો માદક ધૂપ!
આ
સૂડાઓના સ-સ્વર વૈદિક મંત્રોચ્ચાર!
આ
ગૂપચૂપ ટૂટિયુંવાળી આવી બેઠેલા સોનવર્ણી સૂરજદેવ!
આ
ભટુરિયાઓના ભમરડાઓના ગુંજારવની ધૂન!
આ
સદ્યસ્નાતાના હર્યાભર્યા લાલિત્યની દીપશિખા!
જાણે વર્ષો પછી
હું
મારા ઘરની હૂંફ માણી રહ્યો છું



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ