kawi laghrajinun chintan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિ લઘરાજીનું ચિંતન

kawi laghrajinun chintan

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
કવિ લઘરાજીનું ચિંતન
લાભશંકર ઠાકર

ચરણ ચાલ્યા કરે છે

એટલે ચારણ બન્યો છું?

કારણ નથી. કોઈ

અને ભારણ નથી કોઈ?

તરણ તાર્યા કરે છે એટલે

તારો બન્યો છું?

આરણ અને કારણ બધાં

છે આમ તો

ચક્રો મનોરથનાં

તૂટેલાં!

ધાર ચપ્પાની અરે ચીરી શકે ના કંઠ,

સૂકાભઠ શબ્દોથી ખખડતી

વાટકી હાથમાં

મને આપો અમી-ની પ્યાલી, પ્યારા પ્રભુ

હું પી જવાનો છું નહીં તો પાપને,

પાપના પ્રાસે

શકું ખેંચી અનાદિ આપને.

તાર કાચો

તૂટતાં તૂટી જવાનો છું

કાચનો પ્યાલો કદી ફૂંટતાં પ્રભુ

ફૂટી જવાનો છું.

ઉલેચાતો શબદ,

ક્યાંક તો ખૂટી જવાનો છું.

અને તૂટી જવાનો છું.

ક્રિયાના

કર્મથી

નામના વ્યયથી

વિશેષણથી

આમ-થી ને તેમ-થી

તે-થી અને જે-થી

છે અને છું-છા થકી.

વ્હેલ જૂની છે ને વાંકી ધૂંસરી

ચડે બેસે ને વળી ઊતરે

ખખડતી ખેંચે કવિતા કોણ?

ચૂંચવે છે ચરણ કોનાં?

ચારણ બનીને કોણ

ચાલ્યા કરે છે?

આરણ નથી કારણ નથી,

ને છતાં

ખખડતી ખેંચે કવિતા કોણ ?

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005