praathnaa-pralaap - Free-verse | RekhtaGujarati

પ્રાર્થના-પ્રલાપ

praathnaa-pralaap

કુશાગ્ર અદ્વૈત કુશાગ્ર અદ્વૈત
પ્રાર્થના-પ્રલાપ
કુશાગ્ર અદ્વૈત

અનાસ્થા પર્વ

અસત્ય મને કર મદદ

સત્ય મને કર મદદ

ભૂખ

મને કર મદદ

દર્દ-એ-તન

હૃદય કંપ

મને કર મદદ

મીલોની ધ્વનિના સહારે

વિતે છે રાત

જગતની સર્વ ધ્વનિઓ

દીર્ઘ રાતો

મારી મદદે આવો

અવતારના નાયકના કામે આવેલી એમ

કામે આવ રેલ, મને પણ

થાકેલો સિલીંગ ફેન હજી

કેટલો ઝડપી ચાલશે

આવી ગયો ઓકટોબર

ગરમીના દિવસો જાઓ

શ્રદ્ધા અદ્રશ્ય થઈ રહી છે

ધીરે ધીરે એનાં પ્રત્યે,

મને જકડીને બેઠેલા

પિશાચો આવો મારી મદદે આવો

મધ્યયુગીન દુર્બળતાઓ દૂર થાઓ

વિરાન પ્રકાશ ખચાખચ

મને લાગે છે ડર

અંધકાર

મને કર મદદ

હાલરડું, મને કર મદદ

કજરી, મને કર મદદ

ઠુમરી, મને કર મદદ

મને કર આસક્ત

ઓહ બેગમ અખ્તર

આજ જાને કી જીદ કરો

યુ હી પહલું મે બેઠી રહો ફરિદા ખાલા,

હલકું ગુંજન

'હેવન કનોઝ આઇ એમ મિઝરેબલ નાઉ'

ગીત મારી કર મદદ

ગાળ મારી કર મદદ

શહેર હવે પૂરું થયું

ગામ, મારી મદદે આવ

મારી મદદે આવ ભાષા

મારી મદદે આવ હતાશા

ફરી ફરીને ક્યારનો

રઝળી રહયો છું સભ્યતાના વન મહી,

પાન ચાવતા લોકો આવો

મારી મદદે આવો

કરો ઈશારો

માર્ગ બતાવો

ચાની ટપરી,

લારી, કેફે

જ્યાં પણ હો

સ્વાદ ગંધ ને રસ

તમામ જગ્યાઓ આવો, મારી મદદે આવો

પૂનમી તનખા નથી પૂરતી

દરિદ્રતા જા દૂર જા

યાર, ઉધારી કર મદદ

હજી લગાવો બેનરો જાહેરાતોનાં

ભૂલો શોધતો જાહેરતોમાંની હું જીવી રહ્યો છું

બચાવો મને અકળામણમાંથી

વર્તમાનપત્રો આવો

સિટકોમ્સ આવો

ક્રિકેટ મેચો આવો

મારી મદદે આવો

હાથ, પગ, જીભ, નાક

તમામ ઇન્દ્રિયો,

રક્ત - સ્વેદ આવો

મારી મદદે આવો

ચકલી, પતંગિયાં આવો,

વ્યાધ પડ્યો છે પાછળ

તમામ સુંદરતા, લપાઈ જાઓ

જેમ ક્ષય બેઠો છે એમ

તમે પણ માળો બાંધી બેસો મારી ભીતર

કલરવ કરો

નિદ્રા તોડો

તંદ્રા તોડો

પર્ણતરંગી કલરવથી

મને જગાડો

જોડો,

જોડો,

જોડો...

દેશ પર્વ

મારી ભિતર છે સઈનું જળ

મારી ભિતર છે ચંબલનું જળ

મારી ભિતર છે બ્રહ્મપુત્રનું જળ

મારી ભિતર છે જમુનાનું જળ

મારી ભિતર છે રાવિનું જળ

વહેતો જાઉં છું હું

અહીંથી તહીં

તહીંથી અહીં

જાણે કોની છે રાહ

મારે કયા દરિયાને જઈને મળવું છે

મારી ઉપર જેલમનું ઋણ

મારી ઉપર સિંધુનું ઋણ

મારી ઉપર નર્મદાનું ઋણ

જાણે હું ઋણી છું કેટલાય કૂવાનો, નદીઓનો, નહેરોનો

હું નથી લઈ શકતો

કેટલીય નદીઓનાં નામ

ઋણ વધુને વધુ બનતું જાય છે ઘટ્ટ

ઋણ નીચે

દબાતો જાઉં છું

મરતો જાઉં છું

મરતો જાઉં છું

મરતો જાઉં છું

કોહિમામાં જોયું છે મે

અનાનસના અત્તરથી સુગંધીત

સૈનિકોની કબર પર ઉગતાં હતાં ફૂલો

મને વહાવી દેશે સ્વજન

રામ નામ સાથે

નદી વહાવી લઈ જશે મને

મને મળવા તમારે ફૂલ લઈને

નદી સુધી આવવું પડશે

મારની સેના સમક્ષ

લીધી હશે બુદ્ધે શરણ ધરતી કનેથી પણ

મને આશા છે નદીઓથી

મને તો ઉગારવાને

પંચગંગાની હવામાંથી,

બિંદુમાધવને અડકતી

ધૂન શરણાઈની ફૂટે છે

મને તો ઉગારવાને રાખ ચોળીને

હવે મરઘટ ઉપર મદમસ્ત થઈ

નાચી રહયું છે જો બનારસ

માત્ર ઉગારી શકે છે મુજને

જીવન મહીઁ ઉભો રહી

જોઈ રહયો છે મૃત્યુને જે

કે પછી

સોનેરી ટેક્સીવાળું, એક ખંતીલું શહેર

જે લીન એની કીર્તિમાં ને ખ્યાતિમાં

શહેરના રસ્તાઓ પર પિતાએ દોડાવી છે રિક્ષા

એક એક પાંસળીઓ તોડાવી છે

શહેરે ગાળો ખાધી છે મારી માની

જોયું છે સ્વપ્નમાં

ધૂનુચી ને સિંદૂરનો ધુમ્મસ ઓઢેલું

ઢાક અને શંખના નાદથી તરબતર

જોયું છે ફિલ્મોમાં

જોયું છે એને ડૂબતા

નિર્દોષ સ્ત્રીના નેત્રમાં

હું કેટલો વ્યાકુળ છું

તને જોવાની ઈચ્છાથી

કંપીત જિહ્વા એક તરફ

ને એક તરફ કંપી રહયું છે મૌન મારું

પણ બને, જોતાં મારા

થઈ જાય કલકત્તા અલોપ

પણ બને કે, જે હતુ રહે

થઈ જાય કલકત્તા બીજો કોઇ લોક

કહે છે અહીં લોકો બધા,

કલકત્તામાં કલકત્તા હવે બહુ શેષ છે

બોલ કલકત્તા, ચૂપ રે વાત કર

કર સતત

કર મદદ

ઇલ્હાબાદ, મારી કર મદદ

મિથિલા, મારી કર મદદ

વર્કલા તું કર મદદ

બસ્તર આવ! મારી મદદે આવ!

કશ્મીર આવ મારી કર મદદ

મુંબઈ, અહીંથી દૂર જા

મુજ માનવી ને માનવી રેવા દે

ઘરાક ના બનાવ

મારા સૌંદર્યબોધ પર

શુષ્ક કેચી ના ચલાવ

એષણાઓથી મને તું ભર

દ્રશ્ય ને ચિત્રોથી કર

કર મને તરબોળ કર

એક વાતે, માફ કર દિલ્હી મને

ચાહી નથી શકયો તને

સમજ્યો નહીં, ક્યારે નહી,

આંકી નહીં શકયો તને

દિલ્હી, હવે લજ્જિત છું

કર ક્ષમા

કર ક્ષમા

કર ક્ષમા

ઝળહળ ફકત

ચારે તરફ નીરખ્યું તને,

પણ તું હતું પ્રસ્વેદકારોનું શહેર

કામે જતાં લોકો મળસકે

ઉંઘમાં રત નેત્રમાં સપનાઓ મસળે

તું હતું બથમાં ભરીને પ્રેમ કરનારાનું શહેર

શહેર તું તો ભાઈચારાનું હતું

તું યાર દોસ્તોનું હતું

બાહુપાશો ફેલાવી ઉભુ રહેલું શહેર છે

એટલે તું વિધ્ય છે

હું અપરાધી અને

લજ્જિત થઈને હું ઉભો છું

હવે તારી સમક્ષ

મને તું કર ક્ષમા

મને તું કર ક્ષમા

આસ્થા પર્વ

લાદવામાં આવેલી અનાસ્થાઓ

મારો પિંડ છોડો

ખબર છે મને કે નહીં આવે પિતૃ ને

બધુ કાગ ખાસે

હતું જે નાખેલું

છતાં હું કરી લઉં

બધું કે જેમાં

મળે એક પળ સુખ

ને અંતે છે જીવન ફકત ને ફકત દુઃખ

જેનુ તણાઈ ગયું પૂરમાં ઘર

મુહ્હરમમાં ગુજરી ગઈ જેની મા

એનાં કનેથી, છીનવી લેશો

એકનો એક બચ્યો પરિચિત આશ્રય

અલ્લાહનું નામ, જે છે પણ નથી પણ

ઓહ દુષ્ટ સત્તાઓ મને ઘેરો

બલિષ્ઠ સત્તાઓ મને ઘેરો

અહિંસા તણા સંસ્કાર મને ઘેરો

મને ઘેરો રી ગીતા, પરાત્પર

મારી મદદે આવો

ચંદ્રકલાઓ

દશે દિશાઓ આવો

મારી મદદે આવો

પાછા ફરો દેવતાઓ

આદિમ પ્રતીકો બનો

બિરાજો,

બિરાજો મારી કવિતામાં હવે

ચણા, મમરા ને ગંગાજળ તમે આવો

મારી મદદે આવો

કોળું ઓહ કટહલ તમે આવો

મારી મદદે આવો

શુભ પર્વ

શુભ! મુજ મહીં તું

ઓગળી જા

કંપતા, ઝળહળ સરોવરની ભીતર

ઓગળી જેમ જાય છે

ચંદ્રમા પણ આખરે

ઓગળી જા મુજ મહીં તું એમ

શુભ! ઘેરાયો છું અસ્પર્શથી હું

દોરીને લઈ જા તું મને સ્પર્શ લગ

રંક ધ્વનિઓ

બહાર - ભિતર ને નિરંતર

એકાદ ક્ષણ રોકાઈ જાઓ

ભરપૂર વિસ્મયથી મને સ્પર્શો

સ્વસ્થ કાયાને બધીય

વ્યાધિઓ આવીને સ્પર્શે જેમ

સ્પર્શની ભઠ્ઠિમાં ઘડ

સ્પર્શી મને હંમેશ તું

મારાં ચૂરેચૂરા કર્યાં

પણ હવે તું ઘડ મને

સ્પર્શની ભઠ્ઠિમાં ઘડ

પહેલાં,

સ્પર્શની તું ટેવ પાડ

પછી ના સ્પર્શ મુજને

દૂર જા ને થઈ શકે

એટલો તડપાવ મુજને

એઠાં વાસણોને માંજતી હો

એમ મને પણ માંજ તું

તર્જનીના ટેરવેથી

તારી અધીરતાથી

તારા સંશયોથી

તારા આગ્રહોથી

તારા આવેગોથી

તારી લીનતાથી

તારી વાણીથી

તારી સુચિંતાઓથી

મને તું સ્પર્શ કર

મને તું સ્પર્શ કર

બચાવ તું મને હવે

જિંદગીથી, મૃત્યુથી

અશક્તિથી નૈરાશ્યથી

અવિશ્વાસથી, આશ્વાસનથી

તર્કથી ને મુઢતાથી

ગર્વથી ને ગ્લાનીથી

વિરાટથી ને શૂદ્રથી

શુભ!

હવે તું આવ

મારી મદદે આવ

પૂર્ણાહુતિ

અનભ્ર છે આકાશ

મેઘ સૌ નીકળ્યા છે પત્રો

શાપિતોને વહેંચવા

નદી દુઃખી છે યાત્રાથી

પશુ પક્ષી અને મૃગ, વાઘ ક્રૂર

ઉન્મુક્ત કરી રહ્યાં ભ્રમણ

મરુથળ સમી યુગોની તરસ

મારા વિદર્ભ કંઠમાં ઉતરી ગઈ છે

ઓહ પૂજનીય પિતા

તમારાં હાથમાં દેહને

ચિતને

સોંપી રહયો છું

ટેટેલસ્ટાઈ

पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

શાંતિઃ શાંતિઃ શાંતિઃ

(અનુ. કિશન પટેલ)

રસપ્રદ તથ્યો

અવતારના નાયક = અવતાર કૌલની પ્રથમ અને અંતીમ ફિલ્મ ૨૭ ડાઉનને સ્મરણમાં રાખી; 'હેવન કનોઝ આઇ એમ મિઝરેબલ નાઉ' = Heaven knows I’m miserable now… ઈંગ્લીશ રોક બેન્ડ The Smiths નું એક ગીત; રઝળી રહયો છું સભ્યતાના વન મહીં = રઝળી રહયો છું સભ્યતાના વન મહી...सभ्यता के घनेरे जंगल- मुक्तिबोध ની પંક્તિથી પ્રેરિત; પૂનમી તનખા = नमी तनख़ा… પંક્તિ પ્રેમચંદની વાર્તા नमक का दारोग़ा થી પ્રેરિત; કલકત્તામાં કલકત્તા હવે બહુ શેષ છે = कलकत्ता में बहुत कम बच रहा है कलकत्ता – आलोकधन्वा ની પંક્તિથી પ્રેરિત; અલ્લાહનું નામ, જે છે પણ નથી પણ = આ પંક્તિ ફૈઝ અહમદ ફૈઝની પ્રખ્યાત નઝ્મ “हम देखेंगे” માંથી લેવામાં આવી છે; પાછા ફરો ઓ દેવતાઓ = પાછા ફરો ઓ દેવતાઓ/આદિમ પ્રતિકો બનો/બિરાજો/બિરાજો મારી કવિતામાં હવે...देवताओ…लौट आओ… अज्ञेयની પંક્તિઓની પ્રતિક્રિયા રૂપે લખાયેલ પંક્તિઓ; અશક્તિથી નૈરાશ્યથી = અશક્તિથી નૈરાશ્યથી थकान और नैराश्य से-अविनाश मिश्र ની પંક્તિથી પ્રેરિત; તર્કથી ને મુઢતાથી = અવિશ્વાસથી, આશ્વાસનથી તર્કથી ને મૂઢતાથી… આ બંને પંક્તિઓ ગિરિજાકુમાર માથુરની કવિતા “दो पाटों की दुनिया” માંથી લેવામાં આવી છે; નદી દુઃખી છે યાત્રાથી = नदी अपनी यात्रा से दुखी है- नरेश मेहता ની પંક્તિઓની પ્રેરિત.

સ્રોત

  • પુસ્તક : સમીપે : ઓક્ટોબર - ડિસેમ્બર : ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન