postmaurtam - Free-verse | RekhtaGujarati

પોસ્ટમૉર્ટમ

postmaurtam

નીરવ પટેલ નીરવ પટેલ
પોસ્ટમૉર્ટમ
નીરવ પટેલ

એની નાભિમાંથી ના મળી કસ્તૂરી.

એની ત્વચાને ઘણી તપાવી,

પણ એકેય સુવર્ણ વરખ મળ્યો.

અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!

એના મસ મોટા જઠરમાંથી

ના મળ્યો સાચા મોતીનો ચારો.

એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી

ના મળ્યું પુરાણનું એક પાનું ય.

એના કોહી ગયેલા કાળજામાંથી

ના મળ્યું સૂર્યવંશી શૂરાતન.

એના પૉઈઝન થઈ ગયેલા હૃદયરસમાંથી

ના મળ્યું એના પુણ્ય કમાયેલું અમૃત!

એના અણુએ અણુ જેટલા ટુકડા કરી જોયા

પણ એની છઠ્ઠી ઇંદ્રિય ના મળી તે ના મળી.

હા, એના વિશાળ હૃદયમાંથી

મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય.

એની અંગુલિઓને છેડેથી

મળી આવ્યા નહોરનાં મૂળ.

એના સ્ફટિક જેવા ચોકઠા હેઠળથી

મળી આવ્યા ત્રિશૂળિયા દાંત,

એની આંખો

મગરના આંસુથી આંજેલી હતી.

એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં

થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ

એક આર્યપુરુષના મમીનું

પોસ્ટમૉર્ટમ હતું.

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006
  • આવૃત્તિ : 2