pona be wighana khetarwala manasno ahewal - Free-verse | RekhtaGujarati

પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ

pona be wighana khetarwala manasno ahewal

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ
હરીશ મીનાશ્રુ

એની કને

પોણા બે વીઘાનું ખેતર હતું.

વાડમાં ચિભડાં, એક બે છીંડાં, શરાફનાં મીંડાં

સાત બારનો એક ઉતારો ને આખા ગામનો ઉતાર તલાટી હતો

બધાંયને હોય એમ એને હતાં, બાયડી છોકરાં.

બે બાખડી ભેંસો, પેટનું જૂનું દરદ,

પચ્ચી ફૂટનાં આંતરડાં, આવડી અમથી જઠર ને કંકાસિયો કૂવો.

મવડાની પોટલી ચડાવીને ધૂણ્યા કરતો, માતાજીનો ભૂવો.

રોજ રાત પડે ત્યારે

કણસરી દેવી આવીને

સાવ નાગડી થઈને એની દૂંટીમાં ફેરફૂંદરડી ખાય છે

એની જઠરમાં આજ લગી જેટલું ધાન ઓર્યું છે

બધાંમાંથી આખી રાત ફણગા ફૂટ્યા કરે છે, છોડવા ઊંચા વધતા જાય છે

ડૂંડા ને ડોડા બેસે છે

ને ભૂખી ભૂંજરવાડનાં ડોઝરાં ને ડૂંડ ભરાઈ જાય છે.

પણ કમબખત સવાર પડે છે ને બધાંને હગવા જવું પડે છે

ને બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જાય છે.

સાચું ખોટું તો રામ જાણે,

એના દાદા કહેતાં કે એમના જમાનામાં

જાડી વડવાઈઓ જેવો વરસાદ પડતો

ને એને પકડીને હીંચકા ખાવાની એવી તો લ્હેર પડતી.

દાદો મારો હાળો એક નંબરનો ગપોડી

બળદિયાની જેમ હાંક્યા કરતો હશે ટાઢા પ્હોરની.

અત્યારે તો પાછલી ઓરડીમાં બાવાં બાઝતાં હોય એમ વાદળાં બાઝ્‌યાં છે.

હાથ વીંઝે છે

એના દાદાના જમાનાની વડવાઈઓ

હજી એવી ને એવી લટક્યા કરે છે

જો કે થઈ ગઈ ચે સૂકીભઠ, પણ છે મજબૂત, વાંધો નૈં આવે.

વરસાદની એક કોરી ધારને મફલરની જેમ વીંટાળે છે

ને દાદો આવીને એને એ... યે... ને એક મોટો હિંચકો ખવડાવે છે.

એક વાત કહી દઉં, છેલ્લી:

મોડી સાંજે અંધારું એને કૂતરાની જેમ સૂંઘતું હતું ને

ક્યાસ કાઢતા પાંચ પડછાયાઓની ફરતે

ટોળે વળ્યું હતું આખું ગામ

ઉપર વદ ચૌદશિયો ચન્દ્ર ખીલી રહ્યો હતો

ત્યારે બેચાર લંગોટિયા દોસ્તદારો

એની તરકીબ પર આફરીન થઈને

હાથ વીંઝતા હતા:

લ્હેર પડી જાય જો એકાદી વડવાઈ હાથમાં આવી જાય તો...

ને હા, એક બીજી વાત,

એનો દાદો ગપોડી નહોતો.

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડૉ. મોહન પટેલ
  • વર્ષ : 2015