pompai arthat bombai nagarman ek khel yane wahan name bhool [itihas ane netihas wishe kanik nio sarariyal] - Free-verse | RekhtaGujarati

પોમ્પાઈ અર્થાત્ બોમ્બાઈ નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ [ઇતિહાસ અને નેતિહાસ વિષે કંઈક નિઓ સરરિયલ]

pompai arthat bombai nagarman ek khel yane wahan name bhool [itihas ane netihas wishe kanik nio sarariyal]

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
પોમ્પાઈ અર્થાત્ બોમ્બાઈ નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ [ઇતિહાસ અને નેતિહાસ વિષે કંઈક નિઓ સરરિયલ]
સિતાંશુ યશશ્ચંદ્ર

આમ મોં વકાસી શિદને બેઠા સોદાગર!

વળતી સવારે કીમતી કાચલામાં ચમકતું નવું ઈંડું પડ્યું જ હશે વાડામાં,

રાત આખી મૂર્ગા-મૂર્ગીઓના કચકચાટથી ડામરિયો અંધકાર હલ્યા કર્યો

વિસૂવિઅસના ફાટેલા મોઢામાં.

રે પોમ્બાઈ નગરમાં રહેનારાં! આવો

બહાર આવો સુખશય્યામાંથી, રસોડામાંથી, કાતરિયામાંથી, પાગલ-

ખાનામાંથી, ગ્રંથાગારમાંથી, જેલમાંથી, જેલમહેલમાંથી, હો જી! સ્કૂલમાંથી,

એક ભૂલમાંથી, ઊલમાંથી ચૂલ-માંથી, ઓ હો હો! કો’વાયેલા મૂલમાંથી,

અરે મુલ્લાંના મિનારામાંથી, ગંગાના કિનારામાંથી, યાં ઘોષમાંથી,

ટ્રાં રોષમાંથી, હોંશમાંથી, સંતોષમાંથી,

હો પોમ્બાઈના સાબલોગ! બહાર નીકળો અટારીમાં, આયો છે આ મદારી

ખટારીમાં, નાની ખટારીમાં, નીકળોજી બારીમાં ફેર જુલીએટ! હજી તો

પૈસા લેવા ઉતારી નથી મેં હેટ! બળદિયાઓ! છોડો તમારાં ગાંડા —

ભેંશો! ઝટ વિયાવી લો તમારા નર પાડા. ને જુઓ!

ખેલ ખેલ ખેલ.

ક્યાં?

શું ક્યાં?

જુઓ જી પોતપોતાની આંખોમાં થઈ બાડાં!

રસિકડાં! કોમ્રેડ! યાર! હાય! ઓમ્! હેઈલ! હરિજન!

ખેલ!

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 2