રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારી બબ્બે આંખોથી તું
એકધારી પીધા કરે છે સઘળું.
તે રચી છે તારી પોતાની ભાષા
તારા પોતાના અરથ -થી સમૃદ્ધ.
નાનકડા ફ્લેટમાં તું ચાલે છે
ત્યારે પદરવથી રચાય છે
તારો પોતીકો શબ્દકોશ.
અમે ક્યારેક જ અડધું પડધું સમજી શકીએ છીએ એમાંથી...
તારી માતાના હરખનો પાર નથી.
તને નવી નવી રીતે સજાવ્યા કરે છે.
તું
એનું મન રાખતી હો તેમ નવું ફરાક પહેરી
એકાદ ફોટો પડાવી
તારામાં પાછી વળી જાય છે.
ચીલા ચાલુ ગુજરાતી ગરબો
મ્યુઝિકસિસ્ટમમાં ઓન કરી
તારું કુટુંબ તારી ફરતે ગોળાકાર ઉભું રહી તાકતું હોય છે
ત્યારે તારા પગની એક ઠેકથી આરંભાય છે નિત્ય નૂતન રાસ...
તે સમે ડ્રોઈંગ રૂમમાં ચંદ્ર ઉગી નીકળે છે.
તારો પિતા
તને બગીચામાં ખોળે બેસાડી પોતે હીંચે છે.
પ્રજાસત્તાક દિને રાષ્ટ્રધ્વજને સલામી અપાવે છે
એને માફ કરજે તું
કેમ કે હરખનો માર્યો એ ભૂલી ગયો છે
પ્રજાસત્તાકનો સાચો મતલબ.
તું છુકછુક ગાડીનું એન્જિન બને છે ક્યારેક
તો
સકલ સૃષ્ટિ તારા ફરાકનો છેડો ઝાલી
ડબ્બો બની જોડાય છે.
ડબ્બાની બારીમાંથી ડોકું કાઢી હું જોઈ રહું છું
તું દેખાડે છે તેવી
અજાણી અચરજ ભરી જગાઓને પસાર થતી...
એક દિવસ ઉતરી જઈશ હું ડબ્બામાંથી
કોઈ અજાણ્યા સ્થળે..
કોઈ નહીં હોય મારું
કે
નહીં કોઈનોયે હું...
નહીં હોય મારી પાસે ભાષા
માત્ર હું અને કોઈ અબુધ દેવ
ત્યારે મારી વહારે ચડશે તારો પદરવ...
નિત્ય નૂતન રાસ..
હું સમજાવી શકીશ દેવને
ફરી પરત આવવા માટે.
(આ કવિતા ઋજુ ભટ્ટ અને ઝમકુ દવે માટે)
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ