રઘુવીર ચૌધરી
Raghuveer Chaudhary
આબુ કે અચલગઢથી
બને તો ઇન્દ્રગિરિ જવું,
શ્રાવણની ઝરમર ચાંદનીમાં
નખીની નૌકાઓ પર નજર કરીને
ઊપડવું.
વચલા અવકાશે
સૂર્ય-ચંદ્રના સરહદી વિસ્તારે
મળે છે પવનપાવડી
કેડી વગરની વાટે
એક એક સપનાને સાટે.
એમાં અનાગત ક્ષણો લાંગરી,
શુકન જોઈને સંચરવું.
જલ, થલ ને વાયુની
કારમી ભેખડો ને લીલી કોતરોના
વિષવવૃત્ત ઓળંગી
પલાશવતીને કાંઠે પગ મૂકી
વળાંક પરની વનરાઈનું દૃશ્ય
નજરમાં અંકે કરી લઈ,
કાશ્મીરી ગાલીચાનો સ્પર્શ
પહોંચે પોપચાં લગી ત્યાં
પિસ્તા-ચારોળીના ઢગ વચ્ચે
હરી ફરી
ધુમ્મસની પાર જોવું
એટલે કે
ચમત્કારના સાક્ષી થવું ખુલ્લા મને.
ક્ષિતિજની ઓ પારના સાગર થકી
ઊગી આવતો એક પહાડ
જોતજોતામાં પાઈનેપલ જેવો બને.
જાણે પિરામિડનો વિપર્યાસ
આ પહાડ!
એની આ બાજુ રૂપેરી કલ્પતરુ
તો છાયામાં સોનેરી કદંબ.
પરાવર્ત પામતા કિરણમાં
પાર્વતીનું હાસ!
શિખરે શિખરે જાણે શ્યામસુંદર ફૂલ,
વચ્ચે ઝૂલે સૌરભના પ્રલંબ પુલ!
નીચે કાલિન્દીના રૂપમાં ભળે
અનેક નિર્જર-નૂપુર!
નિસર્ગના કણ કણમાં વહે
અનંગ-રતિની સમાધિના સૂર!
પાંપણ ઊંચકાય
ને ઊડી જાય
કેવડિયા સાપ ચંદનવને.
ને સામે પાઈનેપલ જેવો પહાડ
ઝબકીને અડધું આકાશ વીંધી
છેક અંતરિક્ષમાં પૂગે.
શિવના જટાજૂટ થકી
વહી રહે નીલ ગગને
સુનીલ ગિરિવને ગંગોત્રી
તરંગના ચંદ્ર તાલે.
પૂર્ણ સ્વપ્નતિલક ઝગમગે
ધરિત્રીને ભાલે.
અરે!
તત્ક્ષણ નદી તે જ નારી
થાય રૂપમતી વેગે ને આવેગે
કે છાતી સુધી સ્ત્રી
ને ઉપર લાલલીલાં કમલપત્ર ઊગે
પ્રત્યેક વાદળ ધરે
રતિના મસ્તક પર
કૃષ્ણકમલ છત્ર.
અલસ અધબીડી આંખે
હવા શી સરલ જલ લહર
જાણે નિસર્ગની નાભિ પરનું
નીલાંબર ધીરે ધીરે સરે.
આ પ્રવાહ એ જ
પ્રત્યેક પદાર્થનું મન.
ને કણ કણમાં મૌન જીવન!
જેનો સ્વયં સંકોરાતો રસ
ધસે પ્રવાહમાં અવશ.
ખરે તારા સરોવરે
એ જ જાણે કુમુદના અંતસ્તલે શ્વસે.
તમે જોશો કે
પૃથ્વી સલામત છે આ પહાડની છાતીમાં
ને પહાડ પર છાયા છે
આકાશમાં ખીલેલા વટવૃક્ષની
એના પાંદડે પાંદડે રહેતી
પેલી પવનપાવડી!
અહીં બધા જ સગડ મળે.
જુઓ, ઊર્ધ્વમૂલ ગ્રહો
કેવા એની ડાળીએ ડાળીએ ફળે!
તમે હવે અક્ષાંશ-રેખાંશની ઉપર.
રાહુ-કેતુની છાયાથી દૂર-સુદૂર!
ન થાય હવે કોઈની કલ્પનાનું ગ્રહણ
જરૂરી નથી હવે કોઈ શિખરનું
આમૂલ અપહરણ.
મહાબલવંત હનુમંત
ગદા થકી સાગરનાં વિરાટ મોજાં
છિન્ન કરે
બે સેનાઓની ભિન્નતા દૂર કરે
પછી જ
સંજીવનીની શોધે નીકળે
ને લઈ આવે એક
રસઘન પાઈનેપલ
કોઈક નક્ષત્રની ધારે કપાયા જેટલું
નિર્મલ.
એના અંતર્ગત ઝરે ઝરે
પાતાળલોકનાં દ્વાર પ્રગટશે
ને દેશાન્તરે
નિદ્રાધીન જલકમલ પર
સૂર્યોદય થશે.
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
