પરપોટો
parpoto
ચિંતન શેલત
Chintan Shelat

ઘણીયે વાર એવું થાય છે
કે પરપોટો છે.
ગળાથી ચાર આંગળ નીચે
છાતીનાં પાટિયાની બિલકુલ પાછળ.
ગમે તેટલી હચમચાવું છાતી
પરપોટો નીકળતો નથી
મારી પાંસળીઓનું લચીલાપણું
આ પરપોટાને કામ લાગે છે
ક્યારેક ભ્રમણા થાય છે
કે હવામહેલમાં મારું એકલપેટું રાજ છે
(જોકે કોઈને કાનોકાન ખબર નથી આ મહેલ વિશે
એટલે જ સદીઓથી હું પદભ્રષ્ટ થયો નથી.)
ને પછી તરત જ હબકી જાઉં છું
ફરી ફરી ચાર આંગળીઓથી માપ્યા કરું છું
કે કદાચ જ
જો આંગળીઓ ઓછી થવા લાગે તો..
માટે જ
ગળાની નળીઓમાં કશુંય હું ભરી રાખતો નથી
તું મને આમ અનિમેષ તાકી રહે છે ત્યારે
હું ચીસ પાડી લઉં છું



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ