jhaDunun maDadun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાડુનું મડદું

jhaDunun maDadun

મનસુખ વાઘેલા મનસુખ વાઘેલા
ઝાડુનું મડદું
મનસુખ વાઘેલા

જન્મ્યો ત્યારે ભવિષ્યરેખા ઝાડુની સળેકડી જેવી હતી!

‘વાળુ આલજો, બા’ કહી રાતના બાર વાગ્યા સુધી

ઓઠું ઉઘરાવતી મારી બાને ધાવણ ક્યાંથી ચડે!

રમવામાં તો ઠીક અમારે જમવામાં યે ઝાડુ

ઝાડુની તૂટેલી સળેકડી જેવો

બાપનો દેહ એક દિવસ ધૂળ સાથે વળાઈ ગયો.

બાએ એંઠાનો છેલ્લો કોળિયો માગ્યો જમની પાસે.

વરાસામાં જનમ જનમનું વંશપરંપરાગત ઝાડુ.

ગામના લોકો

કૂતરાંને બૂચકારી બોલાવી એને બટકું ખાવા આપે.

મને જોઈને સહુ ભડકતા રીતે કે

14 ઇન્જેક્શન ડૂંટીમાં લેવાં પડશે!

વહુ બચારી રાતે શગ સંકોરે

દહાડે કચરો કરતી શેરીમાંથી ઓરે.

ગણી શકાય એટલી પાંસળીઓ નીચે

એનું પાતાળે ગયેલું પેટ ફૂલ્યું.

ચોથે મહિને ચાર કૂતરાં

લફલફ કરતાં એને વળગી બેઠા

એની બોટી બોટી ભેગાં થઈને ખાધી

પછીથી પેટ ઉપર લાત મારી

એના કટકા કરી

શેરીનાં કૂતરાંઓને નાખ્યા...

આવનાર હે જીવ!

સારું થયું કે તું જન્મ્યો ના ભંગીનો

ઝાડુ વારસ થાવા.

ગામલોક તો

શુકન ગણે છે મડદું સામે મળતાં

પણ

હડકાયાં કૂતરાંને જે રીતે નિર્દયતાથી મરાય

એવો ઢોર માર મારે છે જીવતા ભંગીને–એના ઝાડુથી!

એટલી હદે કે હથેળીમાં સળેકડી રેખામાં ભાગ્ય કટકે કટકા થઈ રહ્યું છે...

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981