intarwyu - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઇન્ટર્વ્યૂ

intarwyu

જયેશ સોલંકી જયેશ સોલંકી
ઇન્ટર્વ્યૂ
જયેશ સોલંકી

એણે નામ પૂછ્યું

મેં કહ્યું :

કચરો.

મલકાતાં મલકાતાં બોલી :

કચરો!

મેં કહ્યું:

હા, કચરો;

કચરો ઢેડ.

દુઃખ વાતનું કે

નામ

મારી ફોઈએ નહોતું પાડ્યું.

એણે ગામનું નામ પૂછ્યું

હું મૂંઝાયો

હસી, ને પૂછ્યું ફરી

શું કહું હું

પણ કહ્યું: ગામ-બહાર

મારું ગામ

જેનું નથી કોઈ નામ

રસ પડ્યો એને

પૂછ્યો ત્રીજો સવાલ:

વ્યવસાય?

મેં કહ્યું:

'ગૂ'ગૅસ કંપનીનો માલિક છું.

વિખ્યાત હોટેલોને

મરેલા ઢોરોનાં માંસની વૅરાયટીઝ

સપ્લાય કરું છું.

પશુઓનાં ચામડાં ઊતરડી

જૅકેટ, બૂટ, બેલ્ટ બનાવી

મોંઘા ભાવે વિદેશોમાં વેચું છું.

લાશોએ

એકવાર પહેરેલાં

ફૅશનેબલ કપડાંને

સમગ્ર ભારતનાં

સ્મશાનગૃહોમાંથી એકઠાં કરી

'શો સમ્સ'ની ડિસ્પ્લૅ પર

ફરી સજાવું છું.

અધીરી થઈ ગઈ

ફટાફટ પૂછ્યો છેલ્લો સવાલઃ

પ્રેરણા ક્યાંથી મળી?

હું ચિડાયો

ગુસ્સે થયો

મેં તોલી મણની ગાળ

પછી સામે કર્યાં સવાલઃ

કેમ

તમારું ને તમારા બાપદાદાનું નામ

જ્ઞાનસૂચક છે?

કેમ

તમારા શ્રમનું

ડૉલરમાં રૂપાંતરણ થાય છે?

કેમ

અમારે ગામ નથી... ગામનું નામ નથી?

કેમ

અમે

ઉપાડીએ છીએ માથે મેલું?

કેમ

તમે નથી ખાતાં મરેલાં ઢોરોનું માંસ?

કેમ

તમે નથી પહેરતાં

તમારા વ્હાલસોયાની લાશ પર

ઓઢાડેલાં કપડાં?

ચાલાક હતી

એણે તુરંત

કમર્શિયલ બ્રેક લીધો

જે હજી સુધી પૂરો નથી થયો!