bhramna - Free-verse | RekhtaGujarati

તેં મંદિર ચણ્યાં ગુંબજ ચણ્યા,

અને ટાંકણાં તગારા સાથે તું મર્યો.

પણ,

કર્યાં કદી દર્શન ભગવાનનાં?

તેં કૂવા વાવ ખોદ્યા,

તળાવોને કર્યાં વિશાળ,

ત્રિકમ પાવડે તું થયો વૃદ્ધ.

પણ

એનું ટીપું પાણી મળ્યું તને?

તેં મહેલ મહાલયોના પાયાની માટી

હાથે ઉપાડી છે.

ને રચી અંબર-ચુંબી ઇમારતો

પણ કદી એમાં એક સુંવાળી રાત કાઢી છે?

તેં મોલથી લસતાં ખેતરો, ખાણ અને કારખાને

પરસેવાના રેલા વહાવ્યા છે.

પણ

બટકું રોટલે તું રહ્યો છે ટટળતો.

તેં સૌને કર્યા સુખી દુઃખ સહી

પણ

તું પામ્યો સુખ કદી?

તું સુખ માટે ભ્રમણા છે.

તું સમાજ માટે ભ્રમણા છે.

તું...

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981